બગસરા તાલુકાના બાલાપુર ગામે ભાડુકીયા નાગદેવના મંદિરે અક્ષર પુરુષોત્તમ-ધારી દ્વારા ઉત્સવસભા અને શાકોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં કથા વાર્તાની સાથે ભક્તોને વ્યસનમુક્ત જીવન જીવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામજનો અને સંતોના સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા સોમપ્રકાશ સ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ઉત્સવો એ માનવને પ્રિય છે. ઉત્સવ ઉજવવાથી જીવને સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. વધુમાં તેમણે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, વ્યસન મુક્તિથી શારીરિક અને આર્થિક લાભ થાય છે, તેથી દરેક વ્યક્તિએ વ્યસનમુક્ત બનવું જોઈએ. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે સાધુ દિનબંધુદાસ (કોઠારી-ધારી), બાબુભાઈ ડાંગાવદરવાળા, ઝવેરભાઈ, પ્રતાપભાઈ સોજીત્રા, ઘેલાભાઈ, ભીખુભાઈ ઠુમ્મર તેમજ ગામના સરપંચ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને તેમના સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.










































