બગસરા તાલુકાના પીઠડીયા ગામમાં સરપંચ અને ગ્રામ પંચાયત સામે સુવિધાના મુદ્દે બેદરકારીના આક્ષેપ થઇ રહ્યા છે. હાલમાં ગામના રહીશો અને બહારગામથી આવતા લોકોને અતિશય દુર્ગંધ અને ગટરના પાણી રોડ ઉપર આવી જતાં તેમાંથી પસાર થવું પડે છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ ગામની મુખ્ય બજાર હોય કે પછી ગામની શેરીઓ, ગટરનાં પાણી રોડ ઉપર આવવાથી રહીશો ને ભારે હલાકીનો સામનો કરવો પડે છે. આ પરેશાની એટલી હદે વધી ગઈ છેકે લોકો મચ્છર જન્ય બીમારીની ઝપટમાં ગમે ત્યારે આવી જાય તેમ છે. જયારે આ ગામના આર ટી આઈ-સામાજિક કાર્યકર જીવનભાઈ મયાત્રાએ પણ અનેક વખત માહિતી માંગીને પણ રજુઆતો કરેલ તેમ છતાં આ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. તાલુકા પંચાયત દ્વારા આવા ગામનો સર્વે કરી જવાબદારો સામે તત્કાલ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.








































