બગસરામાં સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ રોડ સુધી રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આઇકોનિક રોડ છેલ્લા કેટલાય દિવસોથી અંધારપટમાં ગરકાવ થઈ ગયો છે. આ માર્ગ પર સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નિર્ભર તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેને લીધે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ આઇકોનિક રોડ પર રાત્રિના સમયે મોટી સંખ્યામાં વૃદ્ધો, બાળકો અને મહિલાઓ સમય પસાર કરવા તેમજ પગપાળા ચાલવા માટે આવતા હોય છે. પરંતુ અંધારપટ છવાઈ જવાથી અસલામતીના ડરને કારણે મહિલાઓએ આ રસ્તા પર આવવાનું ટાળ્યું છે. બીજી તરફ, અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો અને દારૂની લત ધરાવતા લોકો આ સ્થળ પર પોતાનો કબજો જમાવવાના પ્રયત્નો કરી રહ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. જો તાત્કાલિક લાઈટો શરૂ નહીં થાય તો રસ્તા પર લાગેલી કિંમતી વસ્તુઓને નુકસાન પહોંચવાની પણ શક્યતા સેવાઈ રહી છે. નોંધનીય બાબત એ છે કે આ સ્ટ્રીટ લાઈટો હજુ વોરંટી પિરિયડમાં હોવાથી તેને રિપેર કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. તેમ છતાં, નગરપાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કેમ આ કામગીરી કરાવવામાં આવતી નથી, તે બાબતે લોકોમાં અનેક શંકાઓ ઉપજી રહી છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે જનતાની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આ સ્ટ્રીટ લાઈટો રિપેર કરવામાં આવે.











































