બોસ અને અભણ અમથાલાલ છાપું હાથમાં લઈને અલક મલકની વાતો કરી રહ્યા હતા.
‘અમથાલાલ, તમને શું લાગે છે, આ વખતે કેટલાક પક્ષોને ચૂંટણી વહેલાસર પંડમાં આવી હોય એવું નથી લાગતું? ’
‘જૂઓ બોસ, વહેલી કે મોડી ચૂંટણી પંડમાં આવી (ચૂંટણીએ કાયાપ્રવેશ કર્યો) એ બહુ મહત્વનું નથી. પંડમાં અને પડમાં કેટલો વખત રહે છે એ મહત્વનું છે. એમ તો કેટ- કેટલાં ‘ય રાત દિવસ હાથ અને પગ હલાવ્યે જ રાખે છે. પણ, એમની સામું કોઈ જોતું જ નથી. અને કેટલાક ચક્રાવાતી પવનની માફક આવીને કેટ- કેટલાં ‘યને પોતાની હારે ખેંચીને લઇ જાય છે.’
ત્યાં બકાએ આવીને અરજ કરી.
‘બોસ, મારે એક અરજી કરવી છે. કેમ કરવી?’
‘તારે વળી અરજી કરવી છે? કોને કરવી છે?’
બોસને આશ્ચર્ય થયું.
‘કેમ? હું ખેડૂત નથી? ખેડૂત માણસ ના હોય?’
‘તું.. તું.. ખેડૂત પણ છો. અને માણસ પણ છો. પણ, સરકારને પાંચ વરહે તારી જરૂર પડે. તારાં મતની જરૂર પડે. તારે સરકારની શું જરૂર પડી?’મારે સરકાર પાંહે હારા મોટરસાયકલની માંગણી કરવી છે. વરસોથી મારી પાંહે હારી સાયકલેય નથી. દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ..! અને એક હું નાનો ખેડૂત છું. એક કરતાં એક ડગલું ‘ય આગળ વધ્યો નથી.’
અમથાલાલે કહ્યું.
‘બકા, સરકાર તમને ટ્રેક્ટર લેવાં લોન આપે. સબસિડી આપે. ઓજાર માટે લોન/ સબસિડી આપે. અરે સનેડો લેવાય લોન આપે છે. મોટરસાયકલ આપે છે, એવું ક્યાંય સાંભળ્યું નથી.’ રે ‘વા દો અમથાલાલ રે ‘વા દો. તમે તો સરકારનો ખોટો પક્ષ લેતાં જ નહીં. તમારાં જેવાં આગેવાનોએ જ અમારાં જેવાં નાનાં નાનાં માણસોનો ડાટ વાળ્યો છે. અમારાં સુધી આવું ઘણુંબધું પહોંચવા જ નથી દેતાં.’
‘બકા, તારી ભૂલ થાય છે. સરકારની આવી કોઈ યોજના જ નથી. અને એમ કાંઈ બેંકો ‘ય સરળતાથી લોન આપતી ‘ય નથી.’
‘બેંકોએ લોન આપ્યા વગર ઓલ્યા માલિયા, જમાલિયા કળા કરી ગયા? આપણી બેંકોમાંથી કેટલાં લોકો કરોડો કરોડો રૂપિયાની લોનો લઈને વિદેશ ભાગી ગયા. એનાં નામ આપું તમને ?’
અમથાલાલને આશ્ચર્ય થયું.
‘બકા, તને તો ઘણીય ખબર છે. આવડી મોટી જાણકારી તને ક્યાંથી? છતાંય તારી જાણ ખાતર કહી દઉં કે, મોટરસાયકલની આવી કોઈ યોજના સરકારી નથી.’
‘અમથાલાલ મનેય ખબર છે કે, આવી કોઈ યોજના સરકારી નથી. પણ, આપણે ત્યાં ગુજરાતમાં એક કહેવત છે કે, જમડાં હામે ઊભાં હોય અને તમે પ્રતિકાર કરો તો કદાચ! જીવ ના જાય. પણ તાવ તો આવે જ. એમ મારે મોટી મોટી ગાડી નથી જોઈતી. ઈ ભલે તમારાં જેવાં રાખે, મને તો બસ એક હારુ મોટરસાયકલ આપો. આવી મારે અરજી કરવી છે.
બોસને નવાઈ લાગી કે, ‘આવી કોઈ મોટી મોટી ગાડીની સરકારી યોજનાઓ હોય તો હજી સુધી મને કેમ જાણ નથી. કે મારી પાસે કેમ ગાડી નથી.’
‘બકા, આવી બધી યોજનાઓ વિશે તને કોણે કહ્યું?
તે ક્યાંથી જાણ્યું? ’
બોસ પણ ઘડીભર માનવા લાગ્યા કે, આવતાં વરસમાં ચૂંટણીઓ આવે છે. સરકાર અને પક્ષે મળીને આવી કાર્યકરો માટે કોઈ યોજના બનાવી હોય તો બનાવી ‘ય હોય. સરકારનું કાંઈ કહેવાય નહીં.
‘બકા, મને જરા વિગતવાર વાત કરતો તે ક્યાં સાંભળ્યું? અને શું શું યોજનાઓ છે??’
‘બોસ, યોજનાઓ હેલિકોપ્ટર સુધીની છે. ’
‘શું વાત કરે છે બકા !?? સરકાર એટલી બધી સધ્ધર થઈ ગઈ છે? કે હેલિકોપ્ટર આપવા લાગી છે!?
પણ, તે ક્યાં સાંભળ્યું ઈ તો કે.’
‘હમણાં જ મેં એક છાપાંમાં વાંચ્યું કે, એક ખેડૂતે સરકારને અરજી કરી છે કે, મને ખેતર જવા માટે હેલિકોપ્ટર આપો.’
બોસ મોઢામાં આંગળા નાખી ગયા. ‘આ ખેડૂત કેવડો મોટો હશે? ખેતર જાવા હેલિકોપ્ટરની માંગણી કરે છે. આપણે ત્યાં તો અંબાણી અને અદાણી જેવાં જ હેલિકોપ્ટર વાપરી શકે છે. આ ખેડૂત તો ભાઈ ભારે નીકળ્યો. પણ, ખેડૂતનું નામ શું છે? ઈ તો કે, અને ઈ વાવે છે શું? ઈ કે .’
અભણ અમથાલાલે માથું કૂટ્યું.
‘બકા, તું ઓલ્યા મધ્ય પ્રદેશનાં ખેડૂતની વાત કરે છે?’
‘હા..હા..! એની જ તો વાત છે.’
‘બકા, તારે સમજણ ફેર થયું છે. એમણે સરકાર પાસે હેલિકોપ્ટરની માંગણી કરી છે ઈ વાત સાચી છે પણ, કારણ જુદું છે.’
‘તો તમે જ કહો. મારો પનો તો આટલો જ છે. જે મેં જાણ્યું છે.’
‘બકા, મધ્ય પ્રદેશનાં ઉજ્જૈન જિલ્લામાં એક ગામ છે. ઉટેસરા. ત્યાં સરકારે નવો રોડ બનાવ્યો. હવે હંધાયને તો જમીન રોડટચ થઈ ગઈ. પણ, માનસિંહ રાજોરિયાની જમીન વચ્ચે આવી ગઈ. ખેતરમાં જવા ન તો કોઈ રસ્તો બચ્યો ના કોઈ કેડી.
બીચારો ત્રણ વીઘાનો ખાતેદાર, આજીવિકા એમાં હાલે. પણ રસ્તો ક્યાં? માનસિંહ તાલુકાએ, જિલ્લાએ ધક્કા ખાઈ ખાઈને કંટાળી ગયો. ન રસ્તો મળ્યો ન સમાધાન. આખરે કંટાળીને એમણે સરકારને એક અરજી કરી. મને મારાં ખેતરમાં જવા માટે ખેતરવાળા કે અધિકારીઓ રસ્તો આપી/અપાવી શક્યાં નથી, તો તમે મને ખેતરમાં જવા એક હેલિકોપ્ટર આપો.’
હવે બકો બોલ્યો.
‘સરકાર મોટાં મોટાં બિઝનેસમેનની વાત તો ફટાક દઈને હાંભળે છે. એક નાનાં ખેડૂતની વાત હાંભળશે!??’









































