પ્રેમ એટલે એકબીજામાં રંગેચંગે ઓતપ્રોત થઈ પીગળવા-ઓગળવાની ભીની આવડત. આમા પામવાનું કે ગુમાવવાનું તો ચાલ્યા જ કરશે. પણ પરસ્પરના વિશ્વાસને કોઈ ડગાવી ન શકે…..એજ સાચો પ્રેમ! પ્રેમ શબ્દ ખૂબ વ્યાપક છે. તેને કોઈ ભાષામાં પરિભાષિત કરવો અશકય છે. પ્રેમમાં પડીએ એટલે સામેની વ્યક્તિ ખૂબ જ સારી ને સુંદર લાગે…..આવી લાગણી આપોઆપ ઉત્પન્ન થાય. કારણ, પ્રેમ એક સુંદર કલાત્મક એહસાસ હોય તો નવાઈ નહી. આમ જ સામેનું પાત્ર આપણને પ્રેમ કરે તો તેને પણ આવી જ લાગણી જન્મે. આને જ પ્રેમની કળા કહેવાય. હા, માનવ જીંદગીમાં આવા પ્રાપ્ત થતા પહેલા પ્રેમ વિશે કહેવાયુ છે કે, પ્રથમ પ્રેમ મૃત્યુ સુધી યાદ રહે છે…..ભુલાતો નથી.
સાચુકલા પ્રેમની ભીતર આપણું મગજ જે આનંદ અનુભવે છે. તે અત્યંત પ્રભાવશાળી હોય છે. માત્ર પ્રેમપાત્રનો વિચાર જ ખુશ ખુશ કરી દે. પ્રેમમાં હોય ત્યારે પ્રેમીઓ નીતનવી કલ્પનાઓની દુનિયામાં હરહંમેશ વધુ જીવે છે. ને જયાં સુધી પ્રેમ જીવંત રહે ત્યાં સુધી કલ્પનાઓના તરંગો જરા પણ કંટાળો નથી આપતા. એટલે જ તો…….પ્રેમ સંબંધ લોહીના સંબંધથી અનેકગણો મહાન ગણી શકાય. પરિસ્થિતિઓ ભલે માર ખવરાવે, દોડાવે ને હંફાવે પણ સાચો પ્રેમ કદી બદલાતો નથી. પ્રેમ પવિત્ર છે.
પ્રેમ અને વિશ્વાસનો સંબંધ સાગર અને નદીના અતૂટ સંબંધ જેવો ગણી શકાય. જેમ સાગરમાં નદી સમાઈ જાય એજ રીતે પ્રેમ અને વિશ્વાસ એકબીજામાં ઓગળી જાય છે. જયાં વિશ્વાસ નથી ત્યાં કદી સાચો પ્રેમ પાંગરતો જ નથી. જા સાચો પ્રેમ હોય તો વિશ્વાસ સ્વયંભૂ પેદા થઈ જાય છે. આ સત્ય…, સનાતન સત્ય છે.
એક અઢાર વર્ષની બ્રહ્મતેજથી તેજસ્વી ને રૂપરૂપના અંબાર જેવી પાતળી પણ નકોર હુસ્નપરી એવી બ્રાહ્મણકન્યા નામે બંસી કંઈક આવા જ પ્રેમનું પ્રતીક હતી.
અઢીસો વીઘા જમીનનો માલિક એવા દરબારને દરબારીપણાનો ભાવ તેના ચહેરા પર ઝગમગાટ મારતો હોય, ભૂરી ભૂરી ને આછી આછી મૂંછ હજી તો માંડ ઉગી હોય, પાંચ હાથ પૂરો ને છાતી ગજગજ ફૂલતી હોય, બોલે તો જાણે સિંહ ડણક દેતો હોય એવો પહાડી અવાજ, આવો જ હતો..દર્શનસિંહ! દર્શનસિંહ જાડેજા, દરબારનું વૈભવી કૂળનું સંતાન. પલકવારમાં જાતા જ ગમી જાય, જચી જાય. આ એ દરબાર કે જેણે પ્રથમ નજરે જ બંસીને પ્રેમ કર્યો. બંસી ગમી. કોઈ દિવસ કયાંય આંખ નીચી ન કરે એવા આ યુવાને બંસી સામે પોતાના નયનો નીચા ઢાળી દઈને પોતાનું ધક ધક ધબકતું દિલ એ કન્યાના હાથમાં આપી દીધું. આને જ પ્રથમ નજરનો પ્રેમ કહેવાય! પ્રેમનું પવિત્ર ઉદભવસ્થાન, કદાચ ઋણાનુબંધ!
અરસપરસ બન્ને દિલોની આપ-લે થતા યુવાન હૈયા હિલોળા ખાવા માંડયા. પ્રેમ નામના રોગમાં બળજબરીથી ફસાયા. ઉછળકૂદ કરતા હૈયાઓએ હાકલ મારી…..એક થવા. પ્રેમ એક નશો છે એ સાચી વાત છે. નશાની તલબ, પ્રેમના નશામાં ભટકતા રહેવું. દિવસ-રાત બસ પ્રિય પાત્રને યાદ કર્યા કરવું ને મસ્ત વિચારોમાં વિચર્યા કરવું. આ સિવાય બીજુ કંઈ નજરે જ ન ચડે. (ક્રમશઃ)