સાંભળ્યું છે કે, સપનાં કંઈને કંઈ સંકેત જરૂર આપતા હોય છે. સપનાનો ઈતિહાસ પણ ખૂબ જ અઘરો છે. જેની સતત યાદ આવે, ક્ષણે ક્ષણે એક ને એક વિચાર આવ્યા કરે તે સપનામાં આવી કંઈક સંકેત કરે છે.
હા,ઘણીવાર અલૌકિક અને અગોચર વિશ્વ તરફ સપનું આપણને ખેંચી જાય છે. આંખો બંધ થઈ કે તરત જ એક નવી દુનિયા ઉત્પન્ન થાય છે. અને દુનિયામાં જે કંઈ પણ દેખાય છે. તે સમજની બહાર હોય છે. એટલે જ તો આ સપનાની મજા છે. દિવસ દરમિયાન બનતી ઘટનાઓનો મોટો ગોટાળો ભેગો કરો……એ સ્વપ્ન! સારુ સપનું આવે તો ખુશ ખુશ ખરાબ આવે…તો ચિંતા!
બપોરના સમયે દર્શનને સપનું આવ્યું તે નકોર ગણી શકાય. સપનામાં બંસીના ગોરા ગાલ પરના તલ પરની મીઠી ચૂમી અને પેલા પ્રભાવશાળી ઘા ના ઘસરકાના નિશાન પર ચોટાડેલ ચૂંબને દર્શનને આનંદમાં અપાર ઝરણામાં જબોળી દીધો હતો. મનમાં ને મનમાં તે હસ્યો. બાથમાં પકડેલ તકિયાને એક બાજુ મૂકી તે ધીમેથી ઉભો થયો.ઓરડામાંથી બહાર નીકળી, મોં , પર પાણીની છલક મારી તેણે મોં ધોયું. બાપુ ભગીરથસિંહ તો આરામમાં જ હતા. માનીતો ને કહ્યાગરો ઘોડો દર્શનને જાતા જ કાન ઉંચા કરી હણહણ્યો. તૈયાર થઈ અભય ઘોડા પર સવાર થઈ તેણે પગની એડી મારી ને ઘોડો ચાલવા લાગ્યો.
દર્શનનું મન ઘોડા કરતા પણ વધારે ઝડપથી દોડી રહ્યું હતું. મેળામાં પહાંચવાની તેને જાણે ઉતાવળ હતી. પ્રિયપાત્ર સાથે ફરવાની મજા માણવાની હજી બાકી હતી. તેથી તો તેણે ઘોડાની ઝડપ વધારી ઘોડો દોડયો જ જાણે!
કોટડામાં બાલાજી-સાંઢિડા મહાદેવની જગ્યાએ ભરાતો મેળો…ને એ મેળાનું દ્રશ્ય……..અત્યારે દર્શનની આંખો સામે તાજુ થયુ. રસ્તો અને કેડી પર માનવ મહેરામણ ઉભરાતુ. ગાડા,ઘોડા,સાઈકલના જણે થપ્પા લાગતા.
દૂરથી સાંઢિડા મહાદેવની જગ્યા હવે દર્શનની આંખો જાઈ રહી હતી. પછી તો,થોડી વારમાં જગ્યાએ દર્શન પહોંચી ગયો. જયાં તેના સપનાની મહારાણી કદાચ રાહ જાઈ બેઠી હોય તો નવાઈ નહી. સાંઢિડા મહાદેવની જગ્યામાં, વિશાળ પંટાગણમાં માનવ કીડિયારુ ઉભરાયુ હતું. જાણે સૌ પોતપોતાની મસ્તીમાં ગુલતાન હતા. પુરુષો-સ્ત્રીઓ તથા બાળકો અને યુવાનોએ નવાં વસ્ત્ર પહેર્યા હતા. કોઈના માથા પર કેસરી કે સફેદ પાઘડી જાણે શોભી રહી હતી. સ્ત્રીઓએ ભરત ભરેલા પોષાક પરિધાન કર્યા હતા. તો વળી ઘેરદાર ઘાઘરામાં આવી સ્ત્રીઓ ખૂબ જ સુંદર લાગતી હતી. ઘણી યુવતીઓએ માથાથી માંડી પગની પાની સુધી સોના-ચાંદીના અલંકાર-આભૂષણો ધારણ કર્યા હતા. કેટલીક સ્ત્રીઓએ તો ગાલ અને હોઠ આછા આછા રંગેલા હોય તેવું દેખાતુ હતું. નાની ઉંમરની છોકરીઓએ આંખોની કિનારને આંજણથી કાળી કરેલ દેખાતી હતી.
આવા અમુક અમુક સમૂહના ઢગલા વચ્ચે ઢોલી ઢોલ વગાડતા થાકતો ન હતો. ઢોલના અવાજથી વાતાવરણ જીવંત લાગતું હતું. કયાંક કયાંક મહિલાઓનું વૃંદ લોકગીત ગાઈ નૃત્ય કરતું પણ નજરે ચડતુ હતું. મેળાની બજાર પણ ખૂબ જ લાંબી પહોળી દેખાઈ રહી હતી. મીઠાઈઓ અને ચાવાળાની દુકાનો વધારે સંખ્યામાં હતી. આવા મેળામાં આમેય તે નિતનવી વસ્તુઓનું વેચાણ વધુ થતું હોય છે. અહી ધર્મની રંગત સાથે સાથે લોકકલાનો રંગ પણ ઉમેરાતો હતો.
(ક્રમશઃ)