પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણામાં હિંસા બાદ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બુધવારે અહીં પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે અથડામણ થઈ હતી. ભાજપના નેતા અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ હિંસામાં સાંપ્રદાયિક દૃષ્ટિકોણનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે હિંસા દરમિયાન શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.
શુભેંદુ અધિકારીએ ડાયમંડ હાર્બરના એસપી અને બંગાળના ડીજીપીને અપીલ કરી છે કે તેઓ હિંસાગ્રસ્ત મહેશતલા જઈને ત્યાંના પીડિત હિન્દુ પરિવારોને મળવા માંગે છે. શુભેંદુ અધિકારીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘મેં ડાયમંડ હાર્બરના એસપી અને ડીજીપી સાથે વાત કરી છે જેથી હું અને અન્ય એક ધારાસભ્ય મહેશતલા જઈને જેહાદીઓ દ્વારા હુમલો કરાયેલા હિન્દુ પીડિત પરિવારોને મળી શકીએ અને તેમની સાથે એકતા દર્શાવી શકીએ.’
પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણાના રવિન્દ્રનગર વિસ્તારમાં બુધવારે મોટી હિંસા ફાટી નીકળી હતી. જ્યાં ટોળાએ પોલીસ પર હુમલો કર્યો અને વાહનો તોડ્યા અને ઘણા પોલીસકર્મીઓને ઘાયલ કર્યા. બે જૂથો વચ્ચે સ્થાનિક વિવાદ બાદ આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, ટોળાએ પોલીસ વાહન પર પથ્થરમારો કર્યો અને પોલીસ વાહનના કાચ પણ તોડી નાખ્યા. આ હુમલામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા, જેમાં એક મહિલા કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે જેને માથામાં ઈજા થઈ હતી. પથ્થર વાગવાથી ઘણા અન્ય પોલીસકર્મીઓ પણ લોહીલુહાણ જાવા મળ્યા.
શુભેંદુ અધિકારીએ કહ્યું, ‘હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. મહેશતલા, મેટિયાબ્રુઝ, રવિન્દ્ર નગર પોલીસ વિસ્તારમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. હિન્દુઓની દુકાનો અને ઘરો લૂંટાઈ ગયા. ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા. અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. તેમણે પોલીસ દળો અને હિન્દુઓની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળો તૈનાત કરવા જાઈએ. મમતા બેનર્જીના નેતૃત્વમાં બંગાળમાં સામાન્ય પોલીસ દળ અને હિન્દુઓ સુરક્ષિત નથી. આવતીકાલે અમે વિધાનસભામાં જારશોરથી અમારો અવાજ ઉઠાવીશું, અમે કોલકાતા હાઈકોર્ટની વિશેષ બેંચ સમક્ષ અરજી દાખલ કરીશું.’