“મારે પણ થિયેટરમાં ફિલ્મ જોવા જવું છે! એય મોટી સ્ક્રીન પર, આલીશાન ચેયર પર પોપકોર્ન ખાતાં ખાતાં ફિલ્મ જોવાની મોજ પડી જાય.” – મનમાં ફિલ્મ જોવાનો વિચાર કરતાં કરતાં પોપટભાઈ હરખાઈ ગયા. એમણે તો ફિલ્મ જોવા જવા માટેની તૈયારી શરૂ પણ કરી દીધી. એ તો બજારમાં ઊપડ્યા ને સરસ મજાનાં ચશ્માં ને સૂટ-બૂટ બધું ખરીદી લાવ્યા. બીજાં પક્ષીઓને પોપટભાઈની હલચલ જોઈ નવાઈ લાગી. મોરભાઈએ પૂછયું પણ ખરું, “અરે પોપટભાઈ! તમારે ક્યાંય પ્રવાસે જવાનું છે કે પછી કોઈ પ્રસંગમાં? તમે તો સરસ મજાનાં ચશ્માં અને સૂટ-બૂટ બધુંય ખરીદી આવ્યા.”
ત્યાં તો પોપટભાઈ હરખભેર બોલ્યા,
‘આંખે ચશ્માં પહેરવાજી;
હરવા-ફરવા જાવાજી;
સિનેમાઘર જાવાજી;
ફિલ્લમ જોવા જાવાજી.’
“વાહ ભાઈ વાહ! તમે ફિલ્મ જોવા જવાના છો એમ! લ્યો આ આપણા પક્ષીજગતમાં ફિલ્મ જોવા જવાનું કીર્તિમાન તમારા નામે થશે. પણ અત્યારે તો ઓનલાઈન બુકીંગનો જમાનો છે. છેક થિયેટર સુધી પહોંચો ને કદાચ ટિકિટ ન મળે તો! મારી તો તમને સલાહ છે કે પેલા કાગડાભાઈ પાસે જઈ ઓનલાઈન બુકીંગ કરાવીને જ જશો. કાગડાભાઈ ઈન્ટરનેટના ઉપયોગ અને ઓનલાઈન કામગીરીની સારી જાણકારી ધરાવે છે. આપણા પક્ષીજગતનું બધું કામ તેઓ જ કરે છે ને!” – મોરભાઈએ સલાહ આપતાં કહ્યું.
“મોરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને ખૂબ સારી જાણકારી આપી.” એમ કહેતાં પોપટભાઈ ફરરર કરતાં ઊડયા ને પહોંચ્યા કાગડાભાઈ પાસે. કાગડાભાઈ લેપટોપ લઈને જ બેઠા હતા. પોપટભાઈને આમ સજીધજીને આવેલા જોઈ કાગડાભાઈએ પૂછ્યું, “અરે પોપટભાઈ! તમે તો રૂડારૂપાળા લાગો છો ને! આમ સજીધજીને કઈ બાજુ ઉપડ્યા?” ત્યાં વળી પોપટભાઈ બોલ્યા,
‘આંખે ચશ્માં પહેરવાજી;
હરવા-ફરવા જાવાજી;
સિનેમાઘર જાવાજી;
ફિલ્લમ જોવા જાવાજી.’
“કાગડાભાઈ, હું તો ફિલ્મ જોવા જાઉં છું. પણ પેલા મોરભાઈએ સલાહ આપી કે ઓનલાઈન બુકીંગ કરાવીને જ જાવ. કદાચ ત્યાં જઈને ટિકિટ ન મળે તો! એટલે તમારી પાસે આવ્યો છું.”
“શું વાત છે! તો તમારે ફિલ્મ જોવા જવું છે એમ ને! લો હમણાં જ બુકીંગ કરી આપું. પણ હવે તો ઓનલાઈન બુકીંગ કરવું ખૂબ સહેલું છે. આ જુઓ, હવે તો મોબાઈલ વડે ઘડીભરમાં કોઈપણ કામ ચપટી વગાડતાં જ થઈ જાય છે. આ જુઓ, તમે પણ શીખી લો. તમને કામ લાગશે.” – મોબાઈલમાં ઓનલાઈન બુકીંગની સમજ આપતાં કાગડાભાઈએ કહ્યું.
“બસ! આટલું સરળ! હવે તો હું જાતે જ કરી લઈશ. હવે હું નીકળું. પાછી ફિલ્મ શરૂ થઈ જશે ને હું મોડો પડીશ.” – એમ કહેતાં પોપટભાઈ ઉપડ્યા ફિલ્મ જોવા. એમના આનંદનો પાર નહોતો. આજે એમનું ફિલ્મ જોવાનું સ્વપ્ન પૂરું થવાનું હતું. સરસ મજાની સીટ પર તેઓ ગોઠવાઈ ગયા. સૌ કોઈની નજર પોપટભાઈ તરફ હતી. પોપટભાઈએ યાદગીરી માટે સેલ્ફી પણ લીધી. થોડા સમયમાં ફિલ્મ શરૂ થઈ.
મોટા પડદા પર ફિલ્મ જોવાની મોજ પડી. એય પોપકોર્ન ખાતાં ખાતાં ફિલ્મ જોઈ ને હરખાતાં હરખાતાં પાછા જંગલ તરફ ઊડયા ને બોલવા લાગ્યા,
‘આંખે ચશ્માં પહેર્યાંજી;
હરી-ફરીને આવ્યાજી;
સિનેમાઘર ગયાજી;
ફિલ્લમ જોઈ આવ્યાજી.’
mo.૯૦૯૯૧૭૨૧૭૭