ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના સામે આવેલા ગેરવહીવટ અને બેદરકારીને પગલે આ વર્ષે ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયાને અસર થઈ છે. હજુ સુધી મોટાભાગની ફાર્મસી કોલેજાની મંજૂરી ન આવતા ધોરણ ૧૨ સાયન્સ પછી ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ પ્રક્રિયા અટવાઈ છે. એડમિશન કમિટીએ જાહેર કર્યું છે કે કોલેજાની મંજૂરીની સ્થિતિને વિગત મેળવીને પ્રવેશ પ્રક્રિયાનો નવો કાર્યક્રમ ૧૫ દિવસ બાદ જાહેર થશે. જેના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના ચેરમેન મોન્ટુ પટેલ સામે કાર્યવાહીના કારણે ગુજરાત સહિત દેશભરની ફાર્મસી ક્ષેત્રમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી અટવાઈ છે. સીબીઆઇ દ્વારા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના પૂર્વ અધ્યક્ષ મોન્ટુ પટેલ દ્વારા કોલેજાની મંજૂરી બાબતે ઉઘરાણાના આરોપ લાગ્યા હતા. તેના આધારે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલમાં તેની પાસેથી અધ્યક્ષ તરીકેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે.

હજુ પણ ગુજરાત સહિત દેશભરમાં અનેક ફાર્મસી કોલેજાની મંજૂરી બાકી છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડીયા દ્વારા દર વર્ષે ફાર્મસી કોલેજાની પરવાનગી રીન્યુ કરવામાં આવતી હોય છે. જાકે ચાલુ વર્ષે ગુજરાતમાં ધોરણ ૧૨ પછી ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીની પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે પરંતુ હજુ ૫૦% કોલેજાને માન્યતા નથી મળી જેના કારણે તેની સીધી અસર પ્રવેશ કાર્યવાહી પર પડી છે.

ગુજરાતમાં હાલ ફાર્મસી કોલેજ ૧૪૭ જેટલી ફાર્મસી કોલેજ કાર્યરત છે, આ પૈકી ૭૨ ફાર્મસી કોલેજને મંજૂરી મળી છે જ્યારે હજુ પણ ૭૧ જૂની કોલેજ અને નવી ચાર જેટલી ફાર્મસી કોલેજની મંજૂરી બાકી છે. જેમાં ૭ ડિપ્લોમા ફાર્મસી પૈકી ત્રણ કોલેજાને મંજૂરી હજુ નથી મળી. જેના કારણે પ્રવેશ સમિતિ પણ મૂંઝવણમાં છે કે મંજૂરી ન મળવાના કારણે આગળની પ્રવેશ કાર્યવાહી કેવી રીતે આગળ વધારવી. બીજીતરફ વિદ્યાર્થીઓ ક્યારે પ્રવેશ મળશે અને અભ્યાસ શરૂ થશે તે સૌથી મોટી મુશ્કેલી સર્જાઈ છે.