પ્રસ્તાવના: નર્સરી ઉદ્યોગમાં ફળપાકોના રોપા/કલમોનો ઉછેર છે. સામાન્ય રીતે ફળઝાડ બહુવર્ષાયુ હોવાથી ફળપાકોની સફળતાનો આધાર રોપવામાં આવેલ રોપા/ કલમોની ગુણવત્તા તથા જાત ઉપર રહેલ છે. સારી ગુણવત્તા વાળા રોપા/કલમોની રોપણી કરેલ ન હોય તો ગમે તેટલી માવજત કરવામાં આવે તો પણ ધારણા પ્રમાણે ઉત્પાદન મળતું નથી એટલે જ આપણે ત્યાં કહેવત છે કે ‘બાપ એવા બેટા અને વડ એવા ટેટા’ આમ સારી ગુણવત્તા તથા સારી જાતના રોપ/ કલમો તથા માતૃછોડ પસંદ કરવા માટે નર્સરી એ અગત્યનું સ્થળ છે. તેથી ફળઝાડનું વાવેતર કરતા પહેલા નર્સરીમાંથી સારી ગુણવત્તાવાળા અને તંદુરસ્ત રોપા કલમો પસંદ કરી વાવેતર કરવામાં આવે તો લાંબાગાળા સુધી સારું વળતર મળી રહે છે.
ફળ નર્સરીનું આયોજન કરતી વખતે કઇ કઇ બબતો ધ્યાનમાં રાખવી જોઇએ ?
ફળ નર્સરીનું આયોજન કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઇએઃ
૧. નર્સરીની જમીન જે તે વિસ્તારમાં ઉછેરવામાં આવતા છોડને અનુકૂળ, સારા નિતારવાળી તથા ફળદ્રુપ હોવી જોઇએ.
૨. નર્સરીની જમીન સમતલ કે સાધારણ ઊંચી જગ્યાએ પસંદ કરવી.
૩. નર્સરીના સ્થળની નજીકમાં મીઠા પાણીની સગવડ હોવી જોઇએ.
૪. નર્સરીનું સ્થળ પાકા રોડની નજીક હોવું જોઇએ જેથી ચોમાસામાં વાહનો દ્વારા રોપાઓની હેરફેર કરવામાં સુગમતા પડે.
૫. નર્સરીનું સ્થળ ગામ/ શહેર નજીક હોવું જોઇએ જેથી નર્સરીમાં કામ કરતા માણસો સમયસર આવી શકે.
૬. નર્સરી માટે આછો- પાતળો છાંયો રહે તેવા વૃક્ષવાળા સ્થળની પસંદગી કરવી જોઇએ. છાંયાની વ્યવસ્થા ન હોય તો છાંયા આપતા વૃક્ષો ઉછેરવા જોઇએ.
૭. નર્સરીમાં બહારથી પશુઓ આવીને નુકસાન ન કરે તે માટે નર્સરીની ચારે બાજુએ વાડ બનાવવી જોઇએ.
૮. નર્સરીમાં બીજ, ખાતર તથા અન્ય જરૂરી સાધનો ભરવા માટે મકાન તથા છાપરાની વ્યવસ્થા કરવી જોઇએ.
૧) ખાડા ક્યારા: ઓછા વરસાદવાળા વિસ્તારમાં અથવા ચોમાસા બાદ જ્યારે ફળાઉ વૃક્ષના બીજમાંથી રોપા ઉછેરવા હોય ત્યારે આ પ્રકારના ક્યારા વધુ અનુકૂળ આવે છે. આવા ક્યારા જમીનનની સપાટીથી નીચા હોય છે. આવા ક્યારામાં દાડમ, જામફળ, આંબા, લીંબુ, કરમદા, કોઠા વગેરે ફળાઉ વૃક્ષોના રોપા ઉછેરી શકાય છે.
૨) ગાદી ક્યારા: જે જમીનની નિતારશક્તિ નબળી હોય અથવા વધુ વરસાદવાળા વિસ્તારમાં આ પ્રકારના ક્યારા અનુકૂળ આવે છે.આવા ક્યારા જમીનની સપાટીથી ૧૫ થી ૨૦ સે.મી. ઉંચા હોય છે. આવા ક્યારામાં પપૈયા, લીંબુ, કરમદા, જામફળ આમળા તથા અન્ય ફળઝાડના રોપા ઉછેરવાનું અનુકૂળ આવે છે.
૩) પોલીથીલીનની કોથળી તથા કુંડામાં છોડ ઉછેર: માટી તથા ખાતરના યોગ્ય મિશ્રણથી કોથળી તથા કુંડા ભરીને તેમાં સીધા જ બીજ રોપી છોડ ઉછેરવામાં આવે છે. આવી કોથળીઓ કે કુંડામાં પપૈયા, આમળા, જાંબુ, બોર, સીતાફળ, કાજુ, આમલી, લીલા ફણસ વગેરેના છોડ ઉછેરી શકાય છે.
૪) રેતીના ક્યારા: રેતીના ક્યારામાં નિતાર તથા પોચારો સારો રહેતો હોય બીજનો ઉગાવો ઝડપથી થાય છે તથા કટકા કલમ રોપવાથી મૂળ ઝડપથી વધારે સંખ્યામાં ફૂટે છે. દાડમ અંજીર, સરગવા, દ્રાક્ષ વગેરે પાકોની કટકા કલમ આ પ્રકારના ક્યારામાં ઉછેરવામાં આવે છે.
પ્લગ નર્સરી કે પ્રો ટ્રે એટલે શું ? તેનો ઊપયોગ શેના માટે થાય?
પ્લગ નર્સરીમાં પ્લાસ્ટીકની ટ્રેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કપ આકારનાં ખાનાઓ હોય છે. આ ટ્રેમાં છાણીયુ ખાતર, વર્મીકમ્પોસ્ટ, કોકોપીટ, રેતી, વર્મીક્યુલાઇટ અને પરલાઇટ વગેરે મીડિયાનું યોગ્ય મિશ્રણ ભરી છોડ અથવા કટકા ઉછેરવામાં આવે છે. આ પદ્ધત્તિમાં ઓછા વિસ્તારમાં વધારે છોડ મેળવી શકાય છે તથા છોડ કોઈપણ વિસ્તારમાં ઉગાડી
શકાય છે.
પ્રોપેગેશન હાઉસ/ ચેમ્બરની ઊપયોગીતા:
પ્લાસ્ટિક નેટ તથા ગ્રીન હાઉસમાં રોપાઓ ઉછેરતા છોડનો વધારે ગરમી અને ઠંડીથી બચાવ થાય છે તથા બીજના ઉગાવા માટે તથા કટકા કલમમાં મૂળ ફુટવા માટે જરૂરી ભેજ તથા અર્ધ છાંયા જેવી સ્થિતી મળી રહે છે.
છોડ ઉછેરનું માધ્યમ અને તેની તૈયારી કેવી રીતે કરવી ?
છોડ ઉછેર માટેનું માધ્યમ, એક અગત્યની બાબત છે. સામાન્ય રીતે સારા નીતારવાળી જમીન ઘણી જ જરૂરી છે. માધ્યમમાં સેન્દ્રિય તત્વો, જીપ્સમ, ખોળ વગેરે ઉમેરવાથી તથા કુંડા અને કોથળીમાં નીચે કાણા પાડવાથી નિતાર વધારી શકાય છે. આ ઉપરાંત માટીમાં સારુ કોહવાયેલું કમ્પોસ્ટ ખાતર, વર્મીકમ્પોસ્ટ, લીફમોલ્ડ ૫૦ ટકા પ્રમાણે વાપરવું અથવા ૫ થી ૬ મહિના અગાઉનો જુનો લાકડાનો વહેર (૩૫%), ડાંગરની કુસ્કી (૩૫ %) દિવેલી અથવા લીંબોળીનો ખોળ (૫ %) તથા માટી (૨૫ %) નું નિશ્રણ તૈયાર કરી કોહવડાવી ઉપયોગ કરવો. ફળ ઝાડના રોપા તથા કલમો તૈયાર કરવા જુદા જુદા કયા પ્રકારના ક્યારાનો ઉપયોગ કરવામાં આવે છે ?
બીજ માવજત: સખત આવરણવાળા ફળપાકોના બીજને ઠંડા તથા ગરમ પાણીની માવજત આપવાથી ઉગાવો સારો તથા ઝડપી થાય છે.
નર્સરીમાં પાક સંરક્ષણ માટે ક્યા પગલા લઇ શકાય ? નર્સરીમાં ફળઝાડના તંદુરસ્ત તથા સારી ગુણવત્તાવાળા રોપા તૈયાર કરવા માટે રોગ જીવાતનું યોગ્ય નિયંત્રણ કરવું જરૂરી છે. ફળઝાડ નર્સરીમાં સામાન્ય રીતે મોલોમશી, થ્રિપ્સ, સફેદમાખી, ચીટકો જેવી સુક્ષ્મ જીવાતો જોવા મળે છે જેના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવા જેવી કે એસીફેટ (૦.૦૧ %), સ્પીનોસેટ (૦.૦૧ %), ફોસ્ફામીડોન ૦.૦૩ %, કાર્બોફ્યુરાન ૩જી, ડાયમીથોએટ ૦.૦૩ % જેવી દવાઓનો છંટકાવ કરવો જોઇએ. આ ઉપરાંત ઉધઇ તથા ધૈણના નિયંત્રણ માટે મીથાઇલ પેરાથીયોન ૫ % પાવડરનો ઉપયોગ કરવો. પાન કોરીયાની જીવાતના નિયંત્રણ માટે ડાયમીથીએટ ૦.૩ % નો છંટકાવ કરવો. નર્સરીમાં ધરૂનો કોહવારો, રોપાના મૂળનો સડો, સુકારો ડાળીનો ટોચનો સુકારો જેવા રોગ જોવા મળે છે. તેના નિયંત્રણ માટે બીજને ફુગનાશક દવાનો પટ આપવો તથા બાવીસ્ટીન, રીડોમીલ, મેન્કોઝેબ, ઝાયનેબ વગેરે ફુગનાશક દવાનો છંટકાવ કે ડ્રેન્ચીંગ કરવું. ઉનાળામાં સોઇલ સોલેરાઇઝેશન કરવાથી જમીન જન્ય રોગો, કૃમી તથા નિંદણનું મહદઅંશે નિયંત્રણ કરી શકાય છે. તદ્ઉપરાંત ટ્રાઇકોડર્માનો ઉપયોગ કરવાથી ફુગથી થતા જમીન જન્ય રોગો જેવા કે સુકારો, સડાનો રોગ વગેરેનું નિયંત્રણ જૈવિક પધ્ધત્તિથી કરી શકાય છે. ઉપસંહાર: આ રીતે શરૂઆતના દરેક તબક્કામાં પુરતી માવજત તથા વૈજ્ઞાનિક સુઝસમજથી ઉછેરેલા રોપા/કલમ તંદુરસ્ત તથા જુસ્સાવાળા મેળવી શકાય છે. આવા રોપા/ કલમ વેચાણ કરવાથી સારુ એવું વળતર પણ મળે છે. ખેડૂતો, જો આવા તંદુરસ્ત અને જુસ્સાવાળા રોપા/કલમો ફળવાડી બનાવવા માટે ઉપયોગ કરે તો તેઓ સારુ એવું ઉત્પાદન મેળવી વધુ નફો મેળવી શકે છે.