રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ પર પીલર નંબર-૧૦૧૬ પાસેથી બોર્ડર સિક્યુરિટી ફોર્સએ પોપટ કુમાર (ઉં.વ. ૨૪, સન ઓફ નથુભાઈ, રહે. મીઠી, પાકિસ્તાન) અને ગૌરી (ડોટર ઓફ ગુલાબ, રહે. મીઠી, પાકિસ્તાન)ની ઝડપી લેવામાં આવ્યા છે. ખડીર અને રાપર તાલુકા, જે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, ત્યાં અવારનવાર પાકિસ્તાની શખ્સો ઘૂસણખોરી કરતા અથવા પકડાતા હોય છે. બે મહિના પહેલાં પણ રતનપર (ખડીર) વિસ્તારમાંથી હિન્દુ પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા હતા.
આજે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સરહદ પરના પીલર નં.૧૦૧૬ પાસેથી પાકિસ્તાનના વતની પોપટ કુમાર અને ગૌરીને બીએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. બીએસએફ દ્વારા બંને પાકિસ્તાનીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે બાલાસર પોલીસ મથકે બંને પ્રેમી પંખીડા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
બીએસએફ દ્વારા બન્ને પ્રેમી-પંખીડાઓની સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે અને બાલાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવશે. પકડાયેલા લવબર્ડ પાસેથી કોઈ વાંધાજનક મળ્યું નથી. પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના બનતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે અને વધુ તપાસ હાથ ધરી છે.