વડિયાના લુણીધાર ગામના એક યુવાને હનીટ્રેપ અને મનીટ્રેપનો શિકાર બની ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આરોપીઓએ યુવાનને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા બાદ પોલીસ કેસની ધમકી આપી મરવા મજબૂર કર્યો હોવાનો ગુનો નોંધાયો હતો. બનાવ અંગે મૂળ લુણીધાર ગામના અને હાલ અમરેલીમાં રહેતા રવજીભાઇ નાથાભાઇ ચાવડા (ઉ.વ.૩૬) એ મૂળ મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના અને હાર રાજકોટ રહેતા જ્યોતીબેન ગોવિંદરાવ દવંડે, અજયભાઇ ગોવિંદરાવ દવંડે, ગોવિંદરાવ દવંડે, કીરણબેન ગોવિંદરાવ દવંડે તથા જ્યોતીબેનના માતા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મરણ પામનાર સુનીલભાઈ નાથાભાઈ ચાવડાને જ્યોતીબેન દંવડેએ પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓએ આ યુવતી સાથે સુનીલના લગ્ન કરાવી આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને સુનીલભાઈએ આરોપીઓને રોકડ રકમ રૂ.૨.૫૦ લાખ, સોનાનો ચેઈન તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. રૂપિયા અને દાગીના પડાવી લીધા બાદ પણ આરોપીઓની લાલચ સંતોષાઈ નહોતી. તમામ આરોપીઓએ સંપ કરી સુનીલભાઈને બળાત્કારના પોલીસ કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. સતત થતા બ્લેકમેઈલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને સુનીલભાઈ પોતાના મૂળ વતન લુણીધાર ગામે પરત ફર્યા હતા.
આરોપીઓના અસહ્ય ત્રાસથી કંટાળી સુનીલભાઈએ પોતાના ઘરે ઝેરી દવાના ટીકડા ગળી લીધા હતા. ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.









































