રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે શિક્ષણ સેવા વર્ગ-૨ની જાહેરાત પ્રસિધ્ધ કરી છે, પરંતુ તેમાં પ્રાથમિક શિક્ષકોને અરજીપાત્ર ગણવામાં આવ્યા નથી. આ નિર્ણય સામે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજે રાજ્ય કક્ષાએ રજૂઆત કરી છે. પહેલાં માત્ર પી.ટી.સી. લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી થતી હતી, પરંતુ હાલમાં ઘણા પ્રાથમિક શિક્ષકો બી.એડ., એમ.એડ., એમ.એસ.સી., એમ.એ. અને પી.એચ.ડી. જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. આ શિક્ષકો ઉચ્ચ લાયકાત અને અનુભવ ધરાવતા હોવા છતાં, માત્ર પ્રાથમિક શિક્ષક હોવાને કારણે અરજી કરી શકતા નથી. અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, મંત્રી રસિકભાઈ મહેતા અને પ્રવીણભાઈ કસવાળાએ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને રજૂઆત કરી છે કે આવા ઉચ્ચ ડિગ્રી ધરાવતા શિક્ષકોના અનુભવને ધ્યાને લઈ તેમને વર્ગ-૨ની પરીક્ષા આપવા માટે લાયક ઉમેદવાર ગણવામાં આવે અને શિક્ષકોને ન્યાય મળે તે માટે રાજ્ય સરકારમાં ઘટતું કરવાની માંગણી કરી છે.