આજના ઝડપી, આધુનિક અને ટેક્નોલોજી આધારિત યુગમાં માનવજીવન ભૌતિક સુખ-સગવડોમાં આગળ વધી રહ્યું છે. પરંતુ આ વિકાસના પ્રવાહમાં આપણા દેશના આધારસ્તંભ એવા ખેડૂતનો આર્થિક આધાર ધીમે ધીમે નબળો પડતો જાય છે. ખેડૂતો ભારે ખર્ચ, વધતા બજારભાવ અને પર્યાવરણમાં થતી અનિયમિતતાના કારણે મુશ્કેલીમાં ફસાઈ રહ્યા છે. કૃષિક્ષેત્રે વધી રહેલા ખર્ચ, અનિશ્ચિત આવક અને જમીનની ઘટતી ઉપજાઉ શક્તિએ ખેડૂતોને ચિંતિત કરી દીધા છે.
ગુજરાત એ કૃષિપ્રધાન પ્રદેશ છે, જ્યાં ખેતી મુખ્ય વ્યવસાય છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકામાં કૃષિની પરંપરાગત પદ્ધતિઓમાં મોટા ફેરફાર આવ્યા છે. વધુ ઉપજ માટે રસાયણિક ખાતર, કીટનાશક દવાઓ અને હાઈબ્રિડ બીજના ઉપયોગમાં વધારો થયો છે. શરૂઆતમાં આ પદ્ધતિથી ઉપજમાં વધારો જોવા મળ્યો, પરંતુ સમય જતાં જમીનનું આરોગ્ય ખરાબ થયું, ઉપજની ગુણવત્તા ઘટી ગઈ અને ખેડૂત ખર્ચના ભાર નીચે દબાયા અને દેવાદાર બની ગયા.
આજના ખેડૂતની આર્થિક સ્થિતિ હિનથી હિન નબળી પડી રહી છે. મોંઘા બિયારણો અને દવાઓ, અપૂરતો અને અનિયમિત વરસાદ, સિંચાઈ માટે પાણીની અછત, વીજળી અને ઈંધણના વધતા ભાવ, મજૂરોની અછત અને વધતા મજૂરીના દર જેવા પરિબળોએ ખેતીને નફાકારક વ્યવસાય કરતાં જીવંત ટકાવારીની લડાઈ બનાવી દીધી છે. પાક ઉત્પન્ન કર્યા પછી બજારમાં યોગ્ય ભાવ ન મળવો પણ ખેડૂત માટે મોટું આઘાતરૂપ પરિબળ છે. રસાયણિક ખાતર અને કીટનાશકોના સતત ઉપયોગથી જમીનનું જૈવિક જીવન ખતમ થવા લાગ્યું છે. જમીન કઠણ અને બિનઉપજાવ બની રહી છે, જેના કારણે ખેડૂતને દર વર્ષે વધુ અને વધુ ખાતર નાખવા પડતા જાય છે, છતાં ઉપજમાં વધારો થતો નથી. આ ચક્ર ખેડૂતને ઋણના જાળામાં ફસાવી દે છે. સાથે સાથે, રસાયણિક ખેતીના કારણે જમીન, પાણી અને હવાની ગુણવત્તામાં ગંભીર પ્રદૂષણ ફેલાયું છે. પાકમાં ઝેરી તત્વો વધ્યા છે, જેના કારણે માનવ આરોગ્ય પર પણ ગંભીર અસર જોવા મળે છે.
આવી સ્થિતિમાં જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે આશાનું કિરણ બની છે. પ્રાકૃતિક ખેતી માત્ર એક કૃષિ પદ્ધતિ નથી તે કુદરત સાથે જીવવાની વિચારધારા છે. આ ખેતીનો ઉલ્લેખ મસાનોબુ ફૂકુઓકાએ ૧૯૭૫માં તેમના પુસ્તક ‘ધ વન સ્ટ્રો રીવોલ્યુશન’માં કર્યો હતો. (ક્રમશઃ)