શ્રીધરનો જન્મ તેના મોસાળ મેંગ્લોરમાં થયો હતો. શ્રીધરની માતાનું નામ સરોજિની દેવી, પિતા કુંભકોણમના જમીનદાર શ્રીનિવાસ રાવ. જે કૃષ્ણ ભક્ત હતાં. મોસાળમાં તેના નાના મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારી હતાં.
આવા માતા પિતાના સંતાન શ્રીધરની જન્મકુંડળી મંડાણી એમાં નોંધાયું કે આ બાળકને મહાવિભૂતિના યોગ છે. આવા યોગ સાથે જન્મેલા શ્રીધરને લઇને સરોજિનીદેવી મદ્રાસમાં નેત્રવતી અને સમુદ્રના સંગમનાં તીરે આવ્યા. જયાં કિમ્બલી નામના બંગલામાં આવ્યા. જયાં શ્રીધરનો ઉછેર થવા લાગ્યો., શ્રીધરને સમજણ આવતા તેમના દાદાના મિત્ર અને જમીનદારીનો કારોબાર સંભાળનાર અનંતપ્પા નામનાં સ્નેહી સજ્જન શ્રીધરને દરરોજ રામાયણ, મહાભારત અને તમિલ સંતો, ભક્તો, જાગી જાગીંદરોની વાતો સંભાળવતા, આમ માતા પછી તેના આધ્યાત્મિક ગુરૂ અનંતપ્પા બન્યા.
નવ વર્ષના એ થયા ત્યારે જ માતાનું વાત્સલ્ય ભુલાયું. શ્રીધર મોસાળમાં આવ્યા ત્યાં સ્વામી રામદાસના પૂર્વાશ્રમના ભાઇ ટેનીસ રમવા આવતા હતાં. તેઓ રામદાસની વાતો કરતા એ શ્રીધર કાન દઇને સાંભળતા. એક મિત્રે સ્વામી રામદાસનું “ઇશ્વરની શોધમાં” પુસ્તક શ્રીધરને આપ્યું બાર વરસની વયના શ્રીધરે ધ્યાનથી વાંચવા માંડયું. અંતરના ઓરડાના દ્વાર ખુલી ગયા તેનો અંતરથી નાદ ઉઠ્યો હે રામ ! તું જ મારા માતા – પિતા, બંધુ, સખા, વિદ્યા, ધન, કીર્તિ છે.
રામકૃષ્ણ પરમહંસની રોજની વાતોનો એક સંગ્રહ “શ્રી રામકૃષ્ણ કથામૃત” શ્રીધરને મળ્યો તે વાંચીને પીયુષ પાન પામ્યા, પછી તો શ્રીધરે અનેક વિરલ વિભુતીના વિચારો, જીવનવૃંતાતો પચાવી જાણ્યા. નશ્વર જગતનો મોહ છુટી ગયો, યુવાન વયે વૈરાગ્ય પ્રજવલિત થઇ ઉઠ્યો. બુધ્ધપૂર્ણિમાના પુનિત દિવસે ખાદીના કૂરતા પાયજામા ધારણ કરેલ શ્રીધર સંસાર છોડી શિવાનંદ આશ્રમના આંગણે આવ્યા ત્યારે ઋષિકેશનો શિવાનંદ આશ્રમ પ્રાચીન મુનિઓનું સ્મરણ કરાવતો આશ્રમ હતો. આશ્રમમાં ગુરૂદેવ શિવાનંદજી જેવા ગુરૂ મળ્યા. તેમની સેવા કરી પોતે નીકળી ગયા. સાધના માટે રસ્તામાં એક કુષ્ટ રોગથી કણસતો માણસ પડ્યો હતો. તેણે જાયું તો રક્તપિતિયાના હાથપગના આંગળા ખરી પડયા હતાં. તેમાં પડેલ ઘામાં કીડા ખદબદતા હતાં. બદબું આવી રહી હતી. બીજાના દુઃખો જાઇ ન શકે એવા શ્રીધરના પગ એ નિરાધાર દુઃખી દેહ પાસે થંભી ગયા. બસ એક પળમાં જ નિર્ધાર કરી લીધો. બસ આ દુઃખી આત્માની સારવાર એ જ પ્રભુ સેવા છે. શ્રીધર તુરંત જ નીચે વળીને રસ્તામાં પડેલ રક્તપિતિયાને પોતાના ખંભે બેસાડીને ઋષિકેશના પંથથી પાછા વળ્યા.