પાલિકાએ ચાલુ વર્ષ માટે ૬પ ટકાથી વધુની વસુલાત કરી

બગસરા નગરપાલિકાએ આ વર્ષે ૬પ ટકાથી વધુ વેરા વસુલાત કરી છે અને વર્ષના અંત સુધીમાં આ વસુલાત ૮૦ ટકા સુધી પહોંચવાની આશા છે. જોકે વિરોધ વચ્ચે પાલિકાએ પ્રજા પર વેરા નાખતા વેરા વધારા બાદ રૂ.પ૮ લાખથી વધુ આવકથી પાલિકાની તિજારી છલકાઈ છે. બગસરા નગરપાલિકાએ આ વર્ષે પાણીવેરો, ભુગર્ભ ગટર વેરો, સ્ટ્રીટલાઈટ વેરો નાખી પ્રજા પર આર્થિક ડામ લાદ્યો હતો. પાલિકાએ પાણી વેરા સહિતના વધારો કરતા શહેરમાં વિરોધનો વંટોળ ઉભો થયો હતો. આ વિરોધ વચ્ચે પાલિકાએ પાણીવેરા સહિતના વેરા વધારતા આ વર્ષે પાલિકાને રૂ.પ૮ લાખથી વધુની આવક થઈ હતી. આ આવક બાબતે પાલિકા પ્રમુખ પ્રતિનિધી એ.વી.રીબડીયાએ જણાવ્યુ હતું કે, પાણી વેરો રૂ.૧૮૦૦ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જોકે વાંધા સુચનો આવતા પાલિકાએ માત્ર રૂ.૯૦૦ જ પાણીવેરો કરેલો છે જેમાં બગસરા નગરપાલિક એકાંતરા ૪ કલાકથી વધુ પીવાનું પાણી શહેરીજનોને પુરૂ પાડે છે. ભુગર્ભ ગટરની સફાઈ માટે રાજય સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ મળતી નથી જેથી ભુગર્ભ ગટર અને સ્ટ્રીટલાઈટનું મેન્ટનન્સ ખર્ચને પહોંચી વળવા માટે વેરો વધારવામાં આવ્યો છે. પાલિકા સદસ્ય રાજુભાઈ ગીડાએ જણાવ્યું હતુ કે વેરા વધારાથી પાલિકાની તિજારીમાં આવક વધી છે જેથી કર્મચારીઓ અને રોજમદારોને પગાર નિયમિત ચુકવી શકાય તેમજ સ્વભંડોળની આવક વધતા આ રકમ શહેરના વિકાસ માટે વાપરવામાં આવશે. ચાલુ વર્ષે વસુલાત ૬પ ટકા પહોંચી છે જયારે વર્ષાન્તે આ વસુલાત ૮૦ ટકાએ પહોંચવાની ધારણા છે.

સરકારી ઈમારતોનું ગ્રાન્ટના અભાવે વેરો બાકી
જાણવા મળતી માહિતી મુજબ સરકારી ગ્રાન્ટના અભાવે તમામ પ્રાથમિક શાળાઓના ૪ વર્ષનો વેરો બાકી છે, જયારે પોલીસ સ્ટેશન, મામલતદાર ઓફિસનો વેરો પણ બાકી છે. નવી સિવિલ હોસ્પિટલની આકારણી કરી તેનો પણ વેરો બાકી છે. જો કે તમામ વેરા સરકારી ગ્રાન્ટ ન આવવાથી ચુકવવામાં આવતો ન હોવાનુ અધિકારીઓ જણાવી રહ્યા છે. સરકારી કચેરીઓના જ નિયમિત વેરા ન આવતા હોય ત્યારે સામાન્ય પ્રજાની હાલત શું થતી હશે તે વિચારવાનું રહ્યુ.