ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ ૯ ના વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિભા શોધ કસોટીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કુલ ૧૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓની મેરિટ યાદીમાં પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં અમરેલીની પ્રખ્યાત ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના ૧૩ જેટલા વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરીને પોતાની મહેનત અને શાળાનું ગૌરવ વધાર્યું છે.
વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે આ મેરિટ યાદીમાં શાળાનો વિદ્યાર્થી ભટ્ટ હેત કમલકાંત ૯૯.૯૯ ઁઇ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયો છે. આ ઝળહળતી સિદ્ધિ બદલ શાળા સંકુલમાં આનંદનો માહોલ છવાયો છે. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ તેમની સખત મહેનત અને ગુરુજનોનું યોગ્ય માર્ગદર્શન રહેલું છે. આ અભૂતપૂર્વ સફળતા બદલ શાળાના ટ્રસ્ટી મંડળ અને સમગ્ર શૈક્ષણિક પરિવારે તમામ વિજેતા વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભકામનાઓ પાઠવી છે.