અમદાવાદ ગ્રામ્યના નળસરોવર વિસ્તારમાં જાણે પોલીસનો ડર જ ના રહ્યો તેવી રીતે હુમલો કરાયો હતો. બૂટલેગરને બચવવા ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કરી દીધો હતો. આ ઘટના ગઈકાલે બાવળા તાલુકાના દુર્ગી ગામે હતી. જે બાદ પોલીસે અત્યાર સુધીમાં ૧૭ જેટલા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાકે, મુખ્ય બુટલેગર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જેથી તેની પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર ગઈકાલે નળસરોવર પોલીસને દારુની બાતમી મળી હતી કે દુર્ગી ગામે એક ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો છે, જેમાં જાણીતો બુટલેગર રંગો ત્યાં હાજર છે. બાતમી આધારે પોલીસે રેડ પડતાં જ ટોળું પોલીસ સામે પડ્યું હતુ અને હુમલો કરી દીધો હતો. ધાર્મિક પ્રસંગનો ગેરફાયદો ઉઠાવીને અંદાજે ૧૦૦ જેટલા લોકોના ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી હતી અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. ટોળાના આક્રમક મિજાજને કારણે સ્થતિ તંગ બની ગઈ હતી.
આ ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને દુર્ગી ગામમાં કોમ્બંગ હાથ ધર્યું હતું. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે અત્યાર સુધીમાં કુલ ૧૭ આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલામાં સામેલ અન્ય શખ્સોને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ સમગ્ર વિવાદનું મુખ્ય કેન્દ્ર બુટલેગર રંગો છે. પોલીસ તેને પકડવા ગઈ હતી ત્યારે જ આ બબાલ શરૂ થઈ હતી. મળતી જાણકારી અનુસાર હુમલાની અફરાતફરીનો લાભ લઈને મુખ્ય આરોપી રંગો ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધીને વિવિધ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે.










































