દુનિયાભર માટે આ વિકટ યુગની શરૂઆત છે. માત્ર ગત કોરોનાથી એ સમજાય એમ નથી. કારણ કે આ દાયકામાં અનેક પ્રજાઓ સંઘર્ષમાંથી પસાર થવાની છે. એનું કારણ માત્ર રાજનેતાઓ કે રાજકારણ નથી. પરંતુ માણસ સંપીને શાંતિથી રહેતા અને સમાજના બીજા સમુદાયોને સુખ આપવાનું ભૂલી ગયો છે. સ્વકેન્દ્રિતા એટલી બધી વધી ગઈ છે કે જ્ઞાતિ જાતિ પ્રમાણે દરેક સમુદાયને હવે પોતાના વિશેષ અધિકારોની જરૂર પડી છે. આ એક પ્રકારની મૂર્ખતા છે અને એ સમાજને વિઘટન તરફ લઈ જાય છે. છતાં એમ માનવાને કોઈ કારણ નથી કે સમાજમાં ડહાપણ ભરેલા વિદ્વાનો અને મહાપુરુષો નથી. છે, પરંતુ અલ્પ સંખ્યામાં છે. એને કારણે એમનો અવાજ બહુ પાતળો પડી ગયો છે. અને સંખ્યા બળને કારણે મૂર્ખતાનો ધ્વનિ બહુ ઘેઘૂર થઈ ગયો છે. જેના પરિણામો હવેના સમયમાં સમાજે ભોગવવાના આવશે.
બે-ત્રણ વરસ પહેલા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં કાશ્મીરની આઝાદી ઈચ્છતા પરિબળોએ જ્યારે સૂત્રોચ્ચાર કર્યો અને એમ કહ્યું કે ભારત તેરે ટુકડે હોંગે ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. કદાચ ભારત સરકારને પણ પહેલીવાર ખબર પડી હતી કે દેશની પ્રતિષ્ઠાવંત યુનિવર્સિટીમાં આવનારા સંકટનું ભયંકર રીતે ગર્ભાધાન થઈ રહ્યું છે. આજે પણ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રાષ્ટ્રવિરોધી પરિબળોની સંપૂર્ણ સાફસૂફી થઈ છે એમ કહી શકાય નહીં. એની સામે કેન્દ્રની એનડીએ સરકારે જે કંઈ પગલા લીધા તે બધા જ પગલાને અન્યાયી અને જોહુકમીસર ઠેરવનારી એક લોબી પણ દેશમાં સક્રિય રહી છે.
આઝાદીના આટલા વર્ષો પછી આપણા દેશની એક યુનિવર્સિટીમાં ભારતના ટૂકડા કરવાના સૂત્રોચ્ચારો થતા હોય અને એની બહુ મોડેથી દેશને ખબર પડતી હોય એ બતાવે છે કે આ દેશમાં હજુ પણ યુનિવર્સિટી સિવાયના અનેક સ્થળોએ કંઈકને કંઈક એવું હોઈ શકે છે જે રાષ્ટ્રવિરોધી હોય અને જેની દેશને જાણ થવાને હજુ પણ વાર હોય. ભાજપનો પ્રયત્ન દેશમાં રહેલા દેશવિરોધી પરિબળોને કુશળતાપૂર્વક અંડરલાઈન કરવાનો અને પછી તેને ઉખાડીને ફેંકી દેવાનો છે. પરંતુ એ કામ દેખાય છે એટલું આસાન નથી. એક વખત દૂધ અને પાણી મિશ્ર થઈ ગયા પછી તો એને નોખા કરવાનું કામ તો માનસરોવરના કોઈ રાજહંસ જ કરી શકે અને એવા રાજહંસ ભારતીય રાજકારણમાં કે સત્તાકારણમાં અત્યારે વિદ્યમાન નથી. જે સમસ્યાઓનો સામનો અત્યારે સરકાર કરી રહી છે એ જ સમસ્યાઓનો સામનો એક જમાનામાં અલબત જુદા સંદર્ભમાં મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલે પણ કરવાનો આવ્યો હતો.
સમગ્ર મહાભારત જે એક વાક્યમાંથી ઉદભવ્યું છે તે હસ્તિનાપુરના સિંહાસન પર અર્ધયોગ્યતાએ આરૂઢ થયેલા ધૃતરાષ્ટ્રની બુદ્ધિમત્તામાં સર્જાયેલા ભેદ પર આધારિત છે.
ધૃતરાષ્ટ્રએ મામકાઃ અને પાંડવાઃ એવો જે ભેદ કર્યો એ વિચારધારા જ મહાભારતના યુદ્ધના મૂળમાં છે. પોતાના અને પારકાનો ભેદ માણસજાતને બહુ પીડા આપે છે. દુનિયાના બધા જ દેશોમાં અત્યારે આ રોગગ્રસ્તતા ફેલાઈ ગઈ છે. અમેરિકી પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે અમેરિકા ફર્સ્ટનો શંખનાદ ફૂંક્યો ત્યારે એનો અર્થ માત્ર અમેરિકા માટેનો જ હતો પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની વાણીમાં દુનિયાભરના વિવિધ દેશોના શાસકોની મનોવૃત્તિમાં જે સ્વાર્થપરક પરિવર્તન આવી રહ્યું છે તેનો એ પ્રથમ ઉદ્ઘોષ હતો. એટલે કે એનો અર્થ સમાંતરે એમ પણ થાય કે જર્મનીમાં જર્મન ફર્સ્ટ, રશિયામાં રશિયન ફર્સ્ટ અને ઈંગ્લેન્ડમાં ઈંગ્લીશ ફર્સ્ટ… આ રીતે કુંઠિત થતી જતી મનોવૃત્તિ હવે ત્યાં સુધી પહોંચી છે કે કોઈપણ દેશમાં ઈતર નાગરિકો માટેના દરવાજા લોખંડી બની ગયા છે અને કોરોનાને બહાને પણ ઝડપથી બંધ થઈ રહ્યા છે. એ જ રીતે પોતાના નાગરિકો જે બીજા દેશમાં છે એને પોતાને ત્યાં અથવા સલામત સ્થળે ખસેડવાની પ્રવૃત્તિ પણ ચાલુ થયેલી છે. ભારત આ પૃથ્વી પર જ આવેલો એક દેશ છે, ભારત બ્રહ્માંડના કોઈ અલગ ગ્રહ પર આવેલો નથી, એટલે આ જ બદલાયેલા વાતાવરણનો પડછાયો ભારતીય શાસકો અને પ્રજા પર પડવો સ્વાભાવિક છે.
શાસકો તો હંમેશા કસોટીમાંથી પસાર થતા હોય છે. જે દિવસે રાજાની સવારી નીકળે તે દિવસ પૂરતો જ એનો ઠાઠમાઠ હોય છે. પરંતુ રાજમહેલની અંદરની આધિ, વ્યાધિ અને ઉપાધિઓ તો એની રાજસભા જ જાણતી હોય છે. શાસકો દેખાય છે ચક્રવર્તી પરંતુ દુર્ભાગ્યે એમના ચિત્તની હાલત પણ ચક્રની જેમ ચડતી અને પડતી હોય છે. કેટલોક સમય ઈતિહાસમાં એવો પણ આવેલો છે કે જ્યારે શાસકોની તુલનામાં પ્રજાની કસોટી અધિક હોય. ભારત સરકારે દાખલ કરેલા કેટલાક નવા અધિનિયમોને કારણે ભારતનું જનજીવન ડહોળાઈ જાય એમ ઈચ્છનારો એક વર્ગ છે. પરંતુ એની સામે ભારતીય પ્રજા કેટલુ ડહાપણ દાખવે છે એ પ્રજાની પોતાની કસોટીનો વિષય છે. કેટલાક ઐતિહાસિક નિર્ણયો કોઈ પણ દેશમાં તરત જ સાચા-ખોટાના ત્રાજવે તોલવાનું શક્ય હોતું નથી. ઘણાંબધા નિર્ણયો એવા હોય છે કે જેને બૌદ્ધિક કસોટીઓમાં તોલી શકાય નહીં. પરંતુ સમયની લાંબી પગથારે જ એનું મૂલ્ય આંકી શકાય. એક તો દુનિયાભરમાં તંગદિલીની શરૂઆત થઈ છે. ૨૧મી સદીના ત્રીજા દાયકાની શરૂઆત અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલા સામસામા મતભેદોની છે જેમાં પ્રાથમિક શસ્ત્રપ્રયોગ અને હિંસાચારનું પ્રકરણ પણ આગળ વધી ગયું છે. એટલે કે દુનિયાના અનેક દેશો વચ્ચે પરસ્પર યુદ્ધખોર માનસ નવા દાયકાના પ્રારંભથી જ સક્રિય થઈ ગયું છે. સાથોસાથ દુનિયાના કેટલાક દેશો એવા છે કે જેમાં આંતરિક વિઘટન પણ આકાર લઈ રહ્યું છે. જેમ કે આ નવા દાયકા દરમિયાન જ પાકિસ્તાનથી બલુચિસ્તાન છૂટું પડી જવાનું છે. માલદિવના ટાપુઓની સ્વતંત્રતા લુપ્ત થઈ જવાની છે. રશિયામાં લોકશાહીની ભૂખ એટલી ઊઘડેલી છે કે ત્યાં ગમે ત્યારે ક્રાંતિનો જ્વાળામુખી ફરીવાર ફાટી નીકળવાનો છે. ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોઈકાએ સંયુક્ત રશિયાના ટુકડા કર્યા પરંતુ તે અપૂરતા સાબિત થયા. કારણ કે રશિયાનો આત્મા તો એનો એ જ રહ્યો. રશિયન પ્રજા હવે એનો આત્મા બદલાવવા ચાહે છે. એને અમેરિકા જેવી લોકશાહીની વાસંતિક મોસમની તાત્કાલિક જરૂર છે. એ બધા પ્રત્યાઘાતો પણ આ દાયકામાં જોવા મળશે. ચીન તો દુનિયાની સૌથી ક્રૂર શાસન વ્યવસ્થા તરીકે કુખ્યાત છે. ચીનમાં એક ભીષણ સિવિલ વોર આકાર લઈ રહ્યું છે. એ પણ આ નવા દાયકામાં જ સપાટી પર આવશે. વિશ્વનું અને દુનિયાના દેશોનું બાહ્ય અને આંતરિક ચિત્ર જ્યારે આવું છે ત્યારે ભારત જેવા વિરાટ રાષ્ટ્ર સામે અનેક પ્રકારના પડકારો છે. જેનો સામનો એકલી સરકાર, શાસકો કે સૈન્ય કરી શકે એમ નથી. એમાં પ્રજાની ઉદ્દિપક ચેતનાની ડગલે ને પગલે દેશને જરૂર પડવાની છે. આપણા દેશમાં ગામડાઓ ખાલસા થઈ રહ્યા છે અને પ્રાથમિક શાળાનું શૈક્ષણિક સ્તર વધુ નીચા પગથિયે ઉતરી રહ્યું છે ત્યારે એનડીએ સરકાર બહુટ્રિલિયન ઈકોનોમીના લક્ષ્યાંક અંગે દિવસ-રાત ઢોલ વગાડી રહી છે. દેશના સંખ્યાબંધ પાયાના પ્રશ્નો બહુ સાચવી સંભાળીને અભેરાઈ પર મૂકી દેવામાં આવ્યા છે અને જેનું મહામંથન કર્યા પછી પણ કંઈ હાથ લાગવાનું જ નથી એવા વિષયોને ચાંદની ચોકમાં છુટ્ટા મૂકીને સરકાર ખેલ જોઈ રહી છે કે દેશવાસીઓ માટે વિષયાંતરણની કેવી અજાયબ કળા આપણે અજમાવી રહ્યા છીએ!