મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પુણેમાં એક કાર્યક્રમમાં ‘જય ગુજરાત, જય મહારાષ્ટ્ર’ ના નારા લગાવ્યા. આ નારાને લઈને વિવાદ ઉભો થયો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના એકમના પ્રમુખ હર્ષવર્ધન સપકલે શિંદે પર આકરા પ્રહારો કર્યા અને તેને ‘રાજકીય ગુલામી’ ગણાવી. વિપક્ષના હુમલાનો જવાબ આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની ‘જય ગુજરાત’ ટિપ્પણીનો બચાવ કર્યો. ફડણવીસે કહ્યું કે શિંદેએ ‘જય ગુજરાત’ કહ્યું, તેનો અર્થ એ નથી કે શિંદે મહારાષ્ટ્ર કરતાં ગુજરાતને વધુ પ્રેમ કરે છે. તેમણે કહ્યું કે આવી સંકુચિત વિચારસરણી મરાઠી માનુષને શોભતી નથી.
મુખ્યમંત્રી ફડણવીસે યાદ અપાવ્યું કે જ્યારે કર્ણાટકના ચિકોડીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે ‘જય મહારાષ્ટ્ર, જય કર્ણાટક’ ના નારા લગાવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો કે શું આનો અર્થ એ છે કે શરદ પવાર કર્ણાટકને વધુ અને મહારાષ્ટ્રને ઓછું પ્રેમ કરે છે?.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા હર્ષવર્ધન સપકલે શિંદે પર નિશાન સાધ્યું અને કહ્યું કે રાજ્યના ગૌરવ સાથે ‘દગો’ કરવા બદલ એકનાથ શિંદેએ રાજીનામું આપવું જાઈએ. સપકલે કહ્યું કે મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ છે, જેઓ આત્મસન્માન અને સાર્વભૌમત્વ માટે ઉભા હતા. શરમજનક વાત છે કે નાયબ મુખ્યમંત્રીની ખુરશી પર બેઠેલા નેતાએ ‘જય મહારાષ્ટ્ર’ ને બદલે ‘જય ગુજરાત’ ના નારા લગાવ્યા. આ રાજકીય ગુલામી સિવાય બીજું કંઈ નથી.
સપકલે દાવો કર્યો હતો કે મૂળ શિવસેના તોડીને અને ગુજરાતના દળો દ્વારા પાર્ટીનું નામ અને પ્રતીક મેળવ્યા પછી, શિંદેએ તેમના રાજકીય માલિકોને ખુશ કરવા માટે બધી હદો વટાવી દીધી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું, “તેમનો ‘જય ગુજરાત’નો નારો માત્ર ચાપલૂસી નથી, પરંતુ તે દરેક ગૌરવશાળી મહારાષ્ટ્ર નિવાસીનું અપમાન છે. શિંદેના કાર્યો દર્શાવે છે કે વર્તમાન શાસનમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ગુજરાતનો પ્રભાવ કેટલો ઊંડો બની ગયો છે. સપકલે પ્રશ્ન કર્યો કે શું શિંદે ભૂલી ગયા છે કે તેઓ ગુજરાતના નહીં પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે.
તમને જણાવી દઈએ કે એકનાથ શિંદેએ પુણેના કાર્યક્રમમાં કહ્યું હતું કે, “જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત.” આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ હાજર હતા. શાહે લોકોને ગુજરાતી ભાષામાં સંબોધિત કર્યા હતા.