યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ટૂંક સમયમાં જ ભારત આવી શકે છે. યુક્રેનના રાજદૂત ઓલેકસાંદ્ર પોલિશચુકે જણાવ્યું કે, આ મુલાકાતની તારીખ પર હજુ ચર્ચા ચાલી રહી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી અને તેમને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. હવે બંને દેશ આ સંભવિત મુલાકાતની તારીખ નક્કી કરવામાં વ્યસ્ત છે. ઝેલેન્સકીની મુલાકાતની ખબર એવા સમયે આવી છે જ્યારે પુતિન આ વર્ષે ભારતની મુલાકાત પર આવવાના છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સાડા ત્રણ વર્ષ થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકાવવાની મોટી-મોટી વાતો કરી હતી, પરંતુ તેમનાથી ઝેલેન્સકીને નિરાશા જ મળી છે. આ મુલાકાત આ દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતના રશિયા સાથે ખૂબ જ સારા સંબંધો છે.રાજદૂતે કહ્યું, ‘ભારત અને યુક્રેન વચ્ચે ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારી અંગે જે જાહેરાત થઈ છે, તેના પર વિશ્વાસ રાખો, તેમાં અમારી પાસે ઘણી સંભાવનાઓ છે. ભારતના વડાપ્રધાને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું છે. બંને પક્ષો આ પર કામ કરી રહ્યા છે. અમને આશા છે કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકી નિશ્ચિત રીતે ભારત આવશે. આ અમારા દ્વિપક્ષીય સંબંધો માટે મોટી સિદ્ધિ હશે. હાલમાં અમે એક ચોક્કસ તારીખ નક્કી કરવાની કોશિશ કરી રહ્યા છીએ.’ તેમણે જણાવ્યું કે બંને દેશો મળીને યોગ્ય તારીખ નક્કી કરવાની કોશિશ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને ઝેલેન્સકી અગાઉ પણ ઘણીવાર મળી ચૂક્યા છે.યુદ્ધ શરૂ થયા પછી સૌથી પહેલા મે ૨૦૨૩માં જાપાનમાં જી-૭ સમિટ દરમિયાન બંને નેતાઓની મુલાકાત થઈ હતી. પીએમ મોદીએ ત્યારે કહ્યું હતું કે, આ યુદ્ધ માત્ર બે દેશોનો મુદ્દો નથી, પરંતુ આખી માનવતાનો પ્રશ્ન છે. ભારત શાંતિ અને માનવીય મદદ માટે હંમેશા તૈયાર છે. ત્યારબાદ જૂન ૨૦૨૪માં ઇટાલીમાં જી૭ સમિટ દરમિયાન પણ બંને નેતા મળ્યા. ત્યાં મોદીએ કહ્યું કે, યુદ્ધનો ઉકેલ વાતચીત અને રાજનૈતિક રીતે નીકળવો જાઈએ. પછી સપ્ટેમ્બર ૨૦૨૪માં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના ‘સમિટ ઓફ ધ ફ્યુચર’માં બંને નેતાઓએ મુલાકાત કરી અને શાંતિ માટે ભારતના સમર્થન પર વાત કરી.ઝેલેન્સકીની ભારત મુલાકાતની ખબર પહેલા પુતિનની ભારત આવવાની માહિતી સામે આવી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પણ ૨૦૨૫ના અંતમાં ભારત આવશે. આ માહિતી ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મોસ્કોની મુલાકાત દરમિયાન આપી હતી. પહેલા ખબર હતી કે, પુતિન ઓગસ્ટ ૨૦૨૫માં આવશે, પરંતુ હવે તેને સુધારીને વર્ષના અંતની તારીખ જણાવવામાં આવી છે. આ બંને મુલાકાતો ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુક્રેન અને રશિયા, બંને દેશો સાથે ભારતના સારા સંબંધો છે.