વડાપ્રધાન મોદી દ્વારા આગામી ૧૩ માર્ચ, ૨૦૨૬ના રોજ ગુવહાટીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૨મો હપ્તો જાહેર કરવામાં આવશે, જેને સમગ્ર દેશમાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” તરીકે ઉજવવામાં આવશે. આ ખાસ પ્રસંગે અમરેલી જિલ્લાના અંદાજે ૧.૫૦ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ૨,૦૦૦ રૂપિયાની સહાય સીધી જમા થશે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ સ્થળોએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં સરંભડા ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમોમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેડૂતોને મિલેટ પાક વિશે માર્ગદર્શન આપવા માટે વિશેષ પરિસંવાદ અને પ્રદર્શન પણ રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ ખેડૂતોને આ જીવંત પ્રસારણ નિહાળવા અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.