વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયો હતો. પીએમ મોદીની જન્મભૂમિ વડનગર જ્યાંથી તેમની પ્રેરણાદાયી જીવનયાત્રા શરૂ થઈ અને હવે દેશના વડાપ્રધાન તરીકે તેમણે ભારતને વિશ્વ ગૌરવ અપાવ્યું ત્યાં સુધીની સમગ્ર રોમાંચક સફર તથા રાષ્ટ્રને સમર્પિત તેમના જીવનની વણકહી બાજુઓની પ્રસ્તુતિ માત્ર સાંસ્કૃતિક પ્રસ્તુતિ જ નહિ, રાષ્ટ્રીય જનચેતનાના આંદોલનને પ્રેક્ષકોની નજર સમક્ષ તાદૃશ કરનારી બની રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, ઉદ્યોગ વ્યાપાર જગતના અગ્રણીઓ પંકજ પટેલ, પ્રણવ અદાણી, ટોરેન્ટ પરિવાર, એસોચેમના ચિંતન ઠાકર સહિત અનેક ગણમાન્ય અગ્રણીઓ, ઉદ્યોગ-વ્યાપારકારો અને મુખ્ય સચિવ પંકજ જોશી સહિતના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓએ આ મંચન માણ્યું હતું. લેખક, નિર્માતા અને પ્રસ્તુતકર્તા મનોજ મુંતશિરના રસાળ અને સચોટ સંચાલન સાથે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર સહિત ૨૦૦થી વધુ કલાકારોએ ગિફ્ટ સિટી પરિસરને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું.










































