વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ૧૦ કરોડને વટાવી ગયા છે. પીએમ મોદી આ સીમાચિહ્ન હાંસલ કરનારા પ્રથમ વિશ્વ નેતા બન્યા છે. પ્રધાનમંત્રી મોદી ૨૦૧૪ માં ઇન્સ્ટાગ્રામમાં જાડાયા હતા. પીએમ મોદીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણાથી વધુ છે. વધુમાં, અન્ય ટોચના પાંચ વૈશ્વિક નેતાઓના સંયુક્ત ફોલોઅર્સ પણ પીએમ મોદી કરતા ઓછા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇન્સ્ટાગ્રામ પર ૪૩ મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના ૧૫ મિલિયન ફોલોઅર્સ છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાના ૧૪ મિલિયન ફોલોઅર્સ છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનના ૧૧ મિલિયન ફોલોઅર્સ છે અને આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જાવિઅર મેલાના ૬.૪ મિલિયન ફોલોઅર્સ છે. સ્પષ્ટપણે, આ નેતાઓના ફોલોઅર્સની સંયુક્ત સંખ્યા પીએમ મોદી કરતા ઓછી છે.
પીએમ મોદી અન્ય ભારતીય નેતાઓ કરતા પણ ઘણા આગળ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઇન્સ્ટાગ્રામ પર ૧૬ મિલિયન ફોલોઅર્સ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ઇન્સ્ટાગ્રામ પર ૧૨ મિલિયન લોકો ફોલો કરે છે.
પીએમ મોદી હાલમાં ઇઝરાયલની મુલાકાતે છે, જ્યાં બુધવારે તેમણે ઇઝરાયલી સંસદને સંબોધિત કરી હતી. પીએમ મોદી આવું કરનાર પ્રથમ ભારતીય નેતા છે. ઇઝરાયલે પીએમ મોદીને સ્પીકર ઓફ નેસેટ મેડલથી સન્માનિત કર્યા, જે તેની સંસદનું સર્વોચ્ચ સન્માન છે.
ઇઝરાયલી સંસદમાં તેમના ભાષણ દરમિયાન તમામ સાંસદો પીએમ મોદીના સન્માનમાં ઉભા થયા. પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે ભારતમાં ઇઝરાયલનું ખૂબ સન્માન કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો હજારો વર્ષ જૂના છે. આ દરમિયાન ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ પીએમ મોદીને એશિયન સિંહ તરીકે ઓળખાવ્યા.








































