પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે ૨ થી ૯ જુલાઈ દરમિયાન ૫ દેશો ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટીના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત માટે રવાના થયા. આ દરમિયાન, તેઓ આ દેશોના નેતાઓને મળશે, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે અને વૈશ્વીક મંચો પર ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી સૌપ્રથમ ઘાના પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ જાન ડ્રામાની મહામાના આમંત્રણ પર જઈ રહ્યા છે. ભારતના ઘાના સાથે ઐતિહાસિક સંબંધો છે અને તે આફ્રિકન યુનિયન અને પશ્ચિમ આફ્રિકન દેશોના સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મુલાકાત માટે જતા પહેલા, પીએમ મોદીએ કહ્યું, ‘હું ઘાના સાથે રોકાણ, ઉર્જા, આરોગ્ય, સુરક્ષા અને વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ચર્ચા કરીશ.’ તેઓ ઘાનાની સંસદને પણ સંબોધિત કરશે, જે બંને દેશોની લોકશાહી ભાવનાને પ્રતિબિંબિત કરશે. ઘાના પછી, પીએમ મોદી ત્રિનિદાદ અને ટોબેગો જશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કાંગાલુ અને તાજેતરમાં બીજી વખત વડા પ્રધાન બનેલા કમલા પ્રસાદ-બિસેસરને મળશે. ભારત અને આ દેશ વચ્ચે ૧૮૦ વર્ષ જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો છે. પીએમએ કહ્યું, ‘આ મુલાકાત આપણા ખાસ સંબંધોને વધુ મજબૂત બનાવશે.’

પીએમ મોદી ૫૭ વર્ષ પછી ભારતીય વડા પ્રધાનની આર્જેન્ટીનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત પર બ્યુનોસ આયર્સ જશે. તેઓ રાષ્ટ્રપતિ જાવિઅર માઇલીને મળશે અને કૃષિ, મહત્વપૂર્ણ ખનિજા, ઉર્જા, વેપાર, પર્યટન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકશે. પીએમએ કહ્યું, ‘લેટિન અમેરિકામાં આર્જેન્ટીના અમારું મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર છે.’

પીએમ નરેન્દ્ર મોદી ૬ અને ૭ જુલાઈના રોજ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં રહેશે જ્યાં તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. આ સમિટ અંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ઉભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ વિશ્વ નેતાઓને પણ મળશે. આ પછી, બ્રાઝિલિયામાં, તેઓ રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે ભારત-બ્રાઝિલ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. પીએમએ કહ્યું, ‘અમે ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરીશું.’

પીએમ મોદીની મુલાકાતનો છેલ્લો પડાવ નામિબિયા હશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ ડા. નેતુમ્બો નંદી દતવાહને મળશે. બંને દેશોનો વસાહતી સંઘર્ષનો સામાન્ય ઇતિહાસ છે. તેઓ નામિબિયા સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે અને બંને દેશો વચ્ચે સહયોગ માટે એક નવો રોડમેપ તૈયાર કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું, ‘આ મુલાકાત ગ્લોબલ સાઉથના દેશો સાથે ભારતની મિત્રતાને વધુ ગાઢ બનાવશે, એટલાન્ટીકની બંને બાજુ ભાગીદારી મજબૂત બનાવશે અને બ્રિકસ, આફ્રિકન યુનિયન, ઇસીઓડબ્લ્યુએએસ અને સીએઆરઆઇસીઓએમ જેવા મંચો પર સહયોગ વધારશે.’