આજે નજરે નિહાળેલ વાસ્તવિક ઘટનાના અનુભવથી દીકરી વિશે વર્ણન કરતાં શબ્દ ખુટે છે.
        વિપત્તિમાં શક્તિનું કિરણ એટલે દીકરી…, પિતાના પારાવાર પ્રેમની સરીતા એટલે દીકરી…, મનના આ ભ્રમને તોડી સત્ય માર્ગ તરફ લઈ જનાર આ દીકરી…, વરસાદથી ભીંજાતા પરીવારની છત્રી બની રક્ષણ કરે તે દીકરી…, પિતાના દુઃખદ આંસુને સુખદ સરીતાના આંસુ બનાવે તે દીકરી…,  પિતાના કઠોર પથ્થરના હૈયાને કોમળ બનાવી દે તે દીકરી…, એક ભાઈની શુભચિંતક બની રહે તે દીકરી…, પરીવારમાં આનંદના ફુવારા છાંટે એ દીકરી…, એક માં ની વેદનાને સાંભળી શકે તે દીકરી…,  પિતાના હૃદયનો ધબકાર આ દીકરી…, આંખના પલકારામાં વાત સમજી જાય તે દીકરી…,પરીવારનો પ્રાણ આ દીકરી…, શબ્દ ઓછા ને વર્ણન વધુ કરાવી જાય તે દીકરી…,  પિતાના વટ્ટ વૃક્ષનું ફળ એ દીકરી…, પરીવારનું માન,મોભો અને મર્યાદા નું પુષ્પ એટલે દીકરી…, ભાઈની ખુશી માટે પોતાના સ્વપ્ન ભૂલે તે દીકરી…, ક્યારેક પિતા મૂંઝવાય પણ તેની મુંઝવણમાં પણ હાસ્ય પ્રાણ પુરે તે દીકરી….
આજે દીકરી વિશે લખતા-વાંચતા.., સમજતા-સમજાવતાં.., અનુભવતા-અનુમાન લગાવતા.., શબ્દ પણ વિરામ લેવાનું ઈચ્છે છે. કારણકે આ એક એવું પાત્ર છે જેને પરીવારનો પાયો પિતાના ધબકારની ઉપમા નિસંકોચ આપી શકાય છે.
 બરોબર બપોરનો સમય હતો. સૂર્ય તેના તાપને મધ્યાસ્થ પર લઈ જઈ રહ્યો હતો. ઠંડીની ઋતુમાં સૂર્ય પોતે તપે તો ઠંડીની શું ઓકાત? હું મારા કાર્ય અર્થે ઓફિસ થી બહાર જવાની તૈયારીમાં, અને અચાનક મારી નજર એક પ્રેમના તેજ તરફ ખેંચાય આવી. કદાચ આ એ જ પ્રેમનું તેજ હતું જેની સરખામણીમાં અન્ય કોઈ આવી જ ના શકે.
   એક દસ-અગિયાર વર્ષની દીકરી એક વૃક્ષના છાયા નીચે બેઠી હતી. કપડે-પગરખે સામાન્ય પરીવારની જણાતી-સમજાતી હતી. સૂર્યનું તપવું.., પણ કદાચ આ પ્રેમના તેજ સામે સૂર્ય પણ ઝાંખો પડતો હોય તેવું અનુમાન લગાવી શકાય. એક પિતા જે દીકરીની સાર-સંભાળ રાખતા નજરે દેખાઈ આવ્યા.  તેના પિતાના એક હાથમાં લીલું નાળિયેર અને આ નારિયેળનું મીઠું પાણી પોતાનો પ્રાણ દીકરીને ધીરે ધીરે તે પીવડાવતા હતા. આ ઘટના તરફ થોડું વધુ જાણતા જણાયુ કે પિતા પણ ભૂખ્યા-તરસ્યા હતા. પણ દીકરીને એવા વ્હાલથી નાળિયેર પાણી પીવડાવતા હતા કે જાણે પિતાને ભૂખ-તરસ જ નથી લાગી. પણ આ તો દીકરી છે… પિતાનો ધબકાર છે… થોડું પાણી પીધા પછી પિતાને ખૂબ આગ્રહ કર્યો કે તમે ભૂખ્યા-તરસ્યા છો. તમે પણ નાળિયેર પાણી પીવો. એક બાજુ પિતાનો એ દીકરી પ્રત્યે પ્રેમ કે ; જે દીકરીને ખુશી જોઈ પોતે ખુશીથી ઝૂમી ઉઠે અને બીજી તારફ દીકરીનો એ જન્મજાત ગુણ કે પળભરમાં પિતાની વેદનાને ઓળખી જાય. આ બંને પક્ષ એક થઈ છે પ્રેમ નું તેજ બની પ્રકાશતા હતાં તેમણે સૂર્યના તેજને પણ ક્ષણીક ઝાંખું પાડી દીધું હતું.
દીકરી એ તો સમયાંતરે વહેતી સરીતા છે. નાની હોય ત્યારે બે પાત્રો સાથે નિભાવે… એક બહેન અને બીજુ દીકરી. સમયાંતરે સરીતામાં નીર આવે, વરસાદ થાય ને તળાવ ભરાય તેમ જ્યારે સમય વિતે ત્યારે પરીવારની રોશની દીકરી બને. સાત- સાત કુળની ઈજ્જત પોતાના મસ્તક પર રાખી સમાજમાં જીવવાનું થાય એ બરાબર વર્ષા પછી સરીતા વહેતી જાય ને ખેતરોને હરીયાળા બનાવતી જાય તેવી જ રીતે જીવે તે દીકરી. થોડો સમય વિતે ત્યારે પોતાનું પરીવાર ત્યજી અન્યના પરીવારને અપનાવવું અને એક સાથે બે-બે પરીવારની ચિંતા-કાળજી રાખવી તે સાગરમાંથી મોતી શોધવા જેવું વિકટ કાર્ય પણ સરળતાથી કરે. છતાં પણ દીકરી એ એક પિતાના હૃદયનો ધબકાર તો બની ને જ રહે.  પોતે સાસરે હોય, પોતાની મમ્મી તેને મળે ત્યારે બીજું કંઈ કહે કે ના કહે પણ એક ભલામણ પોતાની માં ને કરતા આ દીકરી ક્યારેય ચૂકતી – ભૂલતી નથી કે; …  “મમ્મી મારા પપ્પાનું ધ્યાન રાખજે”. આ ચાર અક્ષર પૃથ્વી નહીં પરંતુ બ્રહ્માંડના ચાર ફેરા ફરી આવ્યા હોય તેટલું સુખ અપાવી જાય.
દીકરી જે પરીવારમા હોય તે પરીવારની રોશની પણ વિશેષ હોય.  ઘર આંગણામાં પ્રવેશતા જ નક્કી કરી શકાય કે નક્કી આ આંગણામાં દીકરીનો ખિલખિલાટ છે. ખરેખર ઈશ્વરના ઘડેલા આ પાત્રને સમજવુ-સમજાવવું, અનુભવું ખૂબ અઘરું છે.  એક બહેન.., દીકરી.., ત્યારબાદ ઘરની લક્ષ્મી.., સૌભાગ્યવતી..,એક માં. આટ-આટલા પાત્રો એક જ જીવનકાળ દરમ્યાન સફળતાપૂર્વક નિભાવવા એ તો જળમાં આગ પ્રજવલ્લિત કર્યા જેવું છે.  અને આ દિકરીનું પાત્ર એ તો પિતા માટે સૌથી મૂલ્યવાન છે.
 આ દેશની દરેક સ્ત્રી પાત્રને મારા વંદન છે. ભારતીય આર્યનારી એ વિશ્વમાં શ્રેષ્ઠ છે અને હતી. પણ  આ ભારતને ભવ્યતા અપાવવા માટે કોઈ વીર પુરુષ તમારી કોખે જન્મ લેવા આતુર છે. અને આ સ્ત્રી પાત્રે જ ભારતને ભવ્ય વિરો આપ્યા છે. માટે તમામ વિરોની જનેતાને કોટી કોટી પ્રણામ. વંદેમાતરમ.