કેજરીવાલે ૭ સપ્ટેમ્બરે ચોટીલામાં એક મોટી સભાનું આયોજન કર્યું છે. આ સભામાં સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહે તેવી શક્યતા છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો ફરીથી ચર્ચામાં છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’એ કોંગ્રેસના મતોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ, આ વખતે પરિસ્થિતિ અલગ છે. કપાસના ખેડૂતો મુખ્યત્વે ભાજપના પરંપરાગત મતદારો ગણાય છે, અને આ મુદ્દાને ઉઠાવીને ‘આપ’ ભાજપના જ મતો તોડવાની વ્યૂહરચના અપનાવી રહી છે. જા આ વ્યૂહરચના સફળ થાય, તો આગામી ચૂંટણીઓમાં ભાજપને મોટો ફટકો પડી શકે છે.
કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું છે કે, અમેરિકાથી આવતા કપાસ પર આયાત વેરો માફ કરીને સરકારે દેશના ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે ઉમેર્યું કે, અમેરિકાના માલ પરની ડ્યુટી વધારીને ૧૦૦ ટકા કરી દેવી જાઈએ. આનાથી અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પાઠ ભણાવી શકાશે, જેમણે ભારતીય વસ્તુઓ પર ટેરિફ વધાર્યા હતા.
મોદી સરકારે પહેલા કપાસ પરની આયાત ડ્યુટી ૩૦ સપ્ટેમ્બર સુધી માફ કરી હતી, અને હવે આ મુદત વધારીને ૩૧ ડિસેમ્બર સુધી કરી દેવામાં આવી છે. આ નિર્ણયને કારણે અમેરિકન કપાસ ભારતીય કપાસ કરતાં ૧૫-૨૦ ટકા સસ્તો થઈ ગયો છે. ઓક્ટોબર મહિનામાં જ્યારે ગુજરાતના ખેડૂતોનો કપાસ બજારમાં આવવાનું શરૂ થશે, તે પહેલાં જ ઉદ્યોગોએ સસ્તો અમેરિકન કપાસ ખરીદી લીધો હશે.
આનાથી સીધું નુકસાન ગુજરાતના અને ભારતના કપાસ પકવતા ખેડૂતોને થશે. તેમને પોતાના પાકનો યોગ્ય ભાવ મળશે નહીં, કારણ કે બજારમાં પહેલેથી જ સસ્તો વિદેશી કપાસ ઉપલબ્ધ હશે. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ‘આપ’ ખેડૂતોના હિતેચ્છુ તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે, જે આગામી ચૂંટણીઓમાં એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.