વડોદરા જિલ્લામાં આવેલા પાદરા-ગંભીરા બ્રિજ  પર ૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ થયેલી દુઃખદ દુર્ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જેના કારણે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ૨૧એ પહોંચ્યો છે. મૃતકનું નામ દિલીપસિંહ પઢિયાર હતું, જેઓ ૨૭ દિવસથી વડોદરાની SSG હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા હતા. ગત ૪ ઓગસ્ટ, ૨૦૨૫ની સાંજે ૪ઃ૦૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ મહિસાગર નદી પર આવેલો ૪૦ વર્ષ જૂનો પાદરા-ગંભીરા બ્રિજનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો, જેમાં ૨૦ લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ગુમ થયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દિલીપસિંહ પઢિયારને એસએસજી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ લગભગ એક મહિના સુધી સારવાર હેઠળ હતા.

મૃતકના પરિવારે એસએસજી હોસ્પિટલના તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારનું કહેવું છે કે દિલીપસિંહે ગતરોજ સવારે છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી, પરંતુ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમને સમયસર યોગ્ય સારવાર આપવામાં નિષ્ફળતા દર્શાવવામાં આવી. પરિવારનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારી અને ઢીલી વહીવટી વ્યવસ્થાને કારણે દિલીપસિંહનું મોત થયું.

આ ઉપરાંત, પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે દિલીપસિંહનું મોત સાંજે ૪ઃ૦૦ વાગ્યે થયું હોવા છતાં, હોસ્પિટલ તંત્રએ રાત સુધી તેમના મોતની જાણ પરિવારને કરી ન હતી, જેનાથી પરિવારમાં રોષ અને નિરાશા વધુ ઘેરી બની છે. મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મોતનું ચોક્કસ કારણ જાણવા મળે તેવી અપેક્ષા છે, પરંતુ પરિવાર અને સ્થાનિકોનું માનવું છે કે હોસ્પિટલની બેદરકારી મોતનું મુખ્ય કારણ છે.