અમરેલી-સાવરકુંડલા રેલવે ક્રોસિંગ નજીક બે વર્ષ પૂર્વે પાડોશમાં થયેલા મામૂલી ઝઘડામાં યુવાનની હત્યાના કેસમાં અમરેલી કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના ૧૧ જૂન ૨૦૨૩ના રોજ બની હતી, જ્યારે સંજયભાઈ જોગદીયા તેમના પાડોશીઓ રાકેશ અને કરણ મકવાણા વચ્ચેના ઝઘડાને શાંત પાડવા ગયા હતા. ત્યારે ઉશ્કેરાયેલા રાકેશે છરી વડે સંજયભાઈને ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ક્રિષ્નાબેન જોગદીયાએ નોંધાવેલ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરી બંને આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી હતી. અમરેલીની સેસન્સ કોર્ટમાં સરકારી વકીલ જે.બી. રાજગોર અને ફરિયાદીના વકીલ હરનીલ ત્રિવેદીની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.વી. બુખારીએ બંને આરોપીઓને આજીવન સખત કેદ અને દંડનો હુકમ કર્યો હતો.