પહેલગામમાં થયેલા ઇસ્લામી ત્રાસવાદી આક્રમણથી સમગ્ર દેશ હતપ્રભ, શોકિત, આક્રોશિત અને આંદોલિત છે. સદૈવની જેમ આ આક્રમણમાં પણ પાકિસ્તાનનું પગેરું નીકળ્યું છે. એટલે પાકિસ્તાનને પદાર્થ પાઠ ભણાવવાના હાકલા, ડાકલા અને નગારા વાગી રહ્યા છે. પાકિસ્તાન સામે મોદી સરકારે એવા જડબેસલાક પગલાં ભર્યાં છે કે સામે ચાલીને જ પાકિસ્તાન યુદ્ધ છેડી દે તેવી પૂરી સંભાવના છે. સૌથી મોટું પગલું તો સિંધુ જળ સમજૂતીનું ક્રિયાન્વયન અટકાવી દેવાનું છે. પાણી વિના પાકિસ્તાન તરસી જાય તેવી સંભાવના છે. એટલે શાહબાઝ શરીફ ઉવાચ: પાણી અટકાવવાને યુદ્ધ જ ગણવામાં આવશે. આમેય, પાકિસ્તાની સેનાના પ્રમુખ સૈયદ અસીમ મુનીર અહમદ શાહે ૧૬ એપ્રિલે જે નિવેદન આપ્યું હતું તે આમ તો બધા સેક્યુલરોના મોઢે તમાચો હતો અને વીર સાવરકરે એ જ વાતે તો દેશને ચેતવ્યો હતો. જનરલ મુનીરે કહ્યું હતું કે કાશ્મીર પર ભારતીય આધિપત્ય સામેના કાશ્મીરી લોકોના સંઘર્ષને પાકિસ્તાન મદદ કરતું રહેશે. તેમણે પાકિસ્તાનના લોકોને કહ્યું કે તેઓ પોતાનાં બાળકોને પાકિસ્તાન નિર્માણની કથા કહેતા રહે જેથી તેમને ખબર પડે કે તેઓ (મુસ્લિમો) હિન્દુઓથી જુદા છે. પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાના દ્વિરાષ્ટ્રવાદની વાત કરતાં મુનીરે કહ્યું હતું કે આપણે (મુસ્લિમો) બધી રીતે હિન્દુઓથી જુદા છીએ. આપણો પંથ અલગ છે, આપણી પરંપરાઓ અલગ છે. આપણા રિવાજો અલગ છે. આપણા વિચારો અલગ છે. આપણી આકાંક્ષાઓ અલગ છે. ભારતમાં કેટલાક લોકોએ ‘ગંગા જમુના તહઝીબ’ (ગંગા-યમુના તો સંસ્કૃતિ છે- વિકાસની, મિલનની પરંતુ તેને તહઝીબ નામ આપી પોતાનો સિક્કો મારી દે છે)ના નામે અત્યાર સુધી દેશને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવીને રાખ્યો. શ્રી રામજન્મભૂમિ, શ્રી કૃષ્ણ જન્મભૂમિ, બાર જ્યોતિર્લિંગમાંનું કાશી વિશ્વનાથને તોડીને બનાવેલી મસ્જિદ (જેને ઇસ્લામિક પરિભાષા મુજબ જ મસ્જિદ ન કહી શકાય) જગ્યાઓ સ્વતંત્રતા પછી ન આપી, નિકાહ-તલાક-વારસાને લગતા પોતાના અલગ કાયદા રાખ્યા, રસ્તા પર નમાજને અબાધિત હક સમજ્યો, દરેક ચૂંટણીમાં કેટલા મુસ્લિમને ટિકિટ આપી તેવા સેક્યુલર પત્રકારો પાસે પ્રશ્ન કરાવી સતત ડરાવે રાખ્યા કે મુસ્લિમો દુઃખી થઈ જશે તો સત્તા નહીં મળે, જ્યારે નાની એવી પણ વાત બની કે રસ્તા પર હિંસા કરવા આવી ગયા, એ પછી પાકિસ્તાનમાં તેના અત્યાચારી સરમુખત્યાર ઝિયા ઉલ હકનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ જ કેમ ન હોય, એ વિદેશમાં રહેતા સલમાન રશ્દીના પુસ્તક ‘સેતાનિક વર્સિસ’નો વિવાદ જ કેમ ન હોય. સરકારો પણ સતત ડરેલી રહી. અથવા પોતે ડરે છે તેવું બતાવતી રહી. એટલે શાહબાનો નામનાં વૃદ્ધાને તલાક પછી ભરણપોષણ મળવું જોઈએ તેવું સર્વોચ્ચના ખરેખર નીડર ન્યાયમૂર્તિઓએ ચુકાદો આપ્યો તો તેને કટ્ટરપંથીઓના દબાણમાં આવીને ૪૧૪ની તોતિંગ બહુમતીના બળે પલટાવી નાખવા રાજીવ ગાંધીએ સંસદમાં કાયદો બદલાવી નાખ્યો.
પોતાના વિસ્તારમાંથી, મસ્જિદ સામેથી હિન્દુ તહેવારો પર શોભાયાત્રા ન નીકળી શકે, નીકળે તો પથ્થરમારો થાય. તેમના દાનને લગતાં બાર્ડ – વક્ફ બાર્ડ, ગમે તે ભૂમિ પર પોતાનો દાવો ઠોકી શકે અને એ દાવાને ન્યાયાલયમાં પડકારી ન શકાય. એને પડકારવા એમના જ નિર્ણાયકો (જજો)ના બનેલા ટ્રિબ્યૂનલમાં જવું પડે. હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીની પ્રેમકથાને વાસ્તવમાં તો ન જ ચલાવી લે પણ ફિલ્મી પડદે ‘બોમ્બે’ દ્વારા આવે તો પણ એ ન સાંખી શકે અને રમખાણો કરે. એમની ઇદ હોય ત્યારે મુસ્લિમોના મતોના લોલુપ સત્તાધીશ મમતા બેનર્જી પાસે દુર્ગા પૂજા પર પ્રતિબંધ મૂકાવે. અને માનો કે પ્રતિબંધ ન હોય તો દુર્ગા પૂજાના પંડાલ પર બાંગ્લાદેશમાં થાય છે તેમ આક્રમણ કરે, તોડફોડ કરે, મૂર્તિઓ તોડી નાખે.
મુનીરે આ જ વાત તો કહી છે. વક્ફ બાર્ડ સુધારા અધિનિયમ પસાર થઈ ગયા પછી પ. બંગાળના મુર્શિદાબાદમાં એ જ બન્યું જે બાંગ્લાદેશમાં અમેરિકાના લેફ્ટ-લિબરલ બિલ ક્લિન્ટન-બાઇડેનના પીઠ્ઠુ મોહમ્મદ યુનૂસના સત્તામાં આવ્યા પછી ગયા જુલાઈ-આૅગસ્ટમાં બન્યું હતું. વક્ફ બાર્ડ સુધારા અધિનિયમ પસાર કર્યો સરકારે. પરંતુ તેનો આક્રોશ કાઢ્યો હિન્દુઓ સામે. હિન્દુ મહિલાઓને કહ્યું કે જો તમારે તમારા પતિ અને બાળકોને બચાવવા હોય તો અમને તમારા પર બળાત્કાર કરવા દો. આવી જ જિહાદ કાશ્મીરમાં – શ્રીનગરમાં ૧૯૯૦માં થઈ હતી. હિન્દુ મહિલાઓ પર બળાત્કાર થયાં. હિન્દુ પુરુષોની હત્યા કરાઈ. પડોશી મુસ્લિમે જ હિન્દુ પડોશી ક્યાં સંતાયો છે તેની માહિતી જિહાદીઓને આપી દીધી. મસ્જિદોમાંથી ‘રલીવ, ગલીવ, ચલીવ’નો આદેશ નીકળતો હતો – કાં તો મુસ્લિમ બની જાવ, કાં મરો અથવા અહીંથી ભાગી જાવ. ચલણી નાટ પણ પાકિસ્તાનની ચાલતી હતી. અને કેટલાક મુસ્લિમો અથવા તેમના ઠેકેદાર સેક્યુલરો કહે છે કે ભારત પ્રિય હતું એટલે અમે/તેઓ અહીં રહી ગયા. અહીં રહી ગયા તો હૃદયમાં પાકિસ્તાન કેમ વસેલું છે? બીજું પાકિસ્તાન બનાવવા? ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ હોય ત્યારે પાકિસ્તાનની જીત કેમ વ્હાલી લાગે છે? પાકિસ્તાન હારે ત્યારે ભારતની જીત પર હિન્દુઓ ફટાકડા ફોડે તે કેમ સાંખી શકતા નથી? અને આ કંઈ જૂની વાત નથી. ગત ૯ માર્ચે ૨૦૨૫ના દિને ભારતે ન્યૂઝીલેન્ડ સામે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રાફીમાં જીત મેળવી ત્યારે ગાંધીનગરના દહેગામમાં હિન્દુઓ દ્વારા જીતની ઉજવણીને મુસ્લિમો સાંખી શક્યા નહોતા અને ઉગમણોવાસ મસ્જિદ પાસેથી પથ્થરમારો કરવા લાગ્યા હતા. આ શું બતાવે છે? એ જ ને કે હજુ પણ તેઓ ભારતને પોતાનું નથી માનતા.
એટલે મુનીરે ૧૬ એપ્રિલે આપેલા ભાષણનો પડઘો ૨૨ એપ્રિલે પહલગામમાં પડ્યો. જ્યાં ક્યારેય આક્રમણ ન થયું હોવાથી સુરક્ષા દળોની ચુસ્ત નિયુક્તિ નહોતી (અને વળી ત્યાં ખચ્ચરથી જઈ શકાય છે) ત્યાં પાકિસ્તાનના મોકલેલા ત્રાસવાદીઓએ પર્યટકોમાં હિન્દુ અને મુસ્લિમોને અલગ કર્યા. નામ પૂછી-પૂછીને અને કલમા બોલતા આવડે છે (કલમાનો અર્થ થાય છે કે અલ્લાહમાં જ વિશ્વાસ છે તેવી જાહેરાત) કે નહીં તેના આધારે વીણીવીણીને ગોળીએ દીધા અને ગોળીએ દીધા પછી પણ જીવ તો નથી રહી ગયો ને? તે જોવા ઊભા રહ્યા.
પ્રશ્ન તો સરકાર સામે છે જ અને પૂછાવા જોઈએ જ. જા બાઇડેન સરકારના દબાણમાં અને તેના કારણે લેફ્ટ લિબરલ ન્યાયાધીશોએ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા આપેલા આદેશ મુજબ, ત્યાં ચૂંટણી કેમ કરાવી? અનુચ્છેદ ૩૭૦ હટી ગયા પછી રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયેલા કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હતું તે બરાબર હતું. સીધું નિયંત્રણ તો હતું જ. જોકે ૨૦૧૯માં ૩૭૦ દૂર થયા પછી પણ છાશવારે ત્રાસવાદી આક્રમણો થતા હતા અને ઉત્તર પ્રદેશ અને બિહારથી ત્યાં કામ કરવા જતા શ્રમિકોની આવી જ નૃશંસ હત્યા થતી હતી પરંતુ તેના કોઈ વીડિયો નહોતા બનતા, ન તો શ્રમિકોની પત્ની કે પરિવારજનો, ૨૨ એપ્રિલે પહેલગામમાં માર્યા ગયેલા પર્યટકોની પત્ની જેવી બોલકી હતી કે જેનાથી ૨૨ એપ્રિલના પહેલગામ આક્રમણની જેમ વેદના વ્યક્ત કરીને લોકોમાં આક્રોશ જગવી શકે.
ખબર જ હતી કે ત્યાં ચૂંટણી થશે તો કાં તો નેશનલ કાન્ફરન્સ આવશે અથવા તો પીડીપી આવશે. નેશનલ કાન્ફરન્સના સ્થાપિક શૈખ અબ્દુલ્લા, તેમના પુત્ર ફારુક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની ઘોર ખોદી છે. કાશ્મીરનું ઇસ્લામીકરણ કરી નાખ્યું. ઉર્દૂ થોપી દીધી. ત્યાંના લોકોમાં પાકિસ્તાન પ્રેમ જગવી દીધો. અલગાવવાદીઓને જન્મવા, ઉછેરવા અને મોટા થવા દીધા. ૧૯૯૦ના હિન્દુ નરસંહાર જેવું બને ત્યારે કાશ્મીરને રેઢું મૂકીને ફારુક અબ્દુલ્લા લંડન ભાગી ગયેલા. તે વખતે રાજ્યપાલ જગમોહન પણ હજુ શ્રીનગર પહોંચ્યા નહોતા. વિચાર કરો, કેટલું રેઢું કહેવાય. ત્યાં ન તો મુખ્ય પ્રધાન હતા, ન તો રાજ્યપાલ ! પરંતુ ભાજપના વીર – હિન્દુ હૃદય સમ્રાટોથી માંડીને ન્યૂઝ એન્કરો સુધીના બધા ફારુક સાહબ, ફારુક સાહબ કહેતા રહે છે અને ફારુક અબ્દુલ્લા ક્યારેક વળી શ્રી રામ ભજન ગાઈને ‘ગજિની’ના આમીર ખાન જેવા વિસ્મૃતિનો શાપ પામેલા હિન્દુઓને પ્રસન્ન કરી દે છે.
ઉકેલ શું? પાકિસ્તાન સાથે યુદ્ધ? ના. શું કરશો યુદ્ધ કરીને? યુદ્ધ થશે એટલે મોંઘવારી વધશે. એટલે એ જ ન્યૂઝ એન્કરો અને એ જ કાંગ્રેસી-આઆપિયાઓ, એ જ ‘તટસ્થ’ વિશ્લેષકો મોંઘવારીના નામે છાજિયા લેશે. યુદ્ધ થશે એટલે ઇન્ટરનેટ બંધ થશે અને એટલે યુવાનો સરકારને ગાળો આપશે કે ઇન્ટરનેટ કેમ બંધ કરી દીધું?
અને માનો કે પાકિસ્તાનને હરાવી દીધું તો શું આ સમસ્યાનો ઉકેલ આવી જવાનો છે? એ ન ભૂલવું જોઈએ કે ભારતીય ઉપખંડમાં આજે જે ભૌગોલિક સીમાડાઓ છે તે દરેક પ્રદેશ- આજનું ભારત, પડોશનાં પાકિસ્તાન-બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન, નેપાળ અને મ્યાનમાર અને શ્રીલંકા પણ ખરાં – તે એક સમયે હિન્દુ પ્રદેશો જ હતા. અખંડ ભારત હતું. તેના ટુકડા કેમ થયા? કેમ લોકો વટલાતા ગયા? કોઈ તલવારના જોરે તો કોઈ વેપાર-પૈસાની લાલચે, તો કોઈ મહિલાઓના શિયળ બચાવવા. કોઈ સત્તાને પ્રિય થવા. અને જેટલા લોકો વટલાયા તેમાંથી મોટા ભાગના મહેમૂદ ગઝની, ઘોરી અને ઔરંગઝેબ કરતાંય કટ્ટર બન્યા. તેમણે અલગ પાકિસ્તાન લીધું, અલગ બાંગ્લાદેશ લીધું અને આ બંને દેશ બન્યા પછી ભારત સામે જ પડ્યા. જેઓ ભારતમાં રહી ગયા તેઓ પણ પાકિસ્તાન પ્રેમ દાખવતા રહ્યા અને ન્યાયાલયો પણ આદેશ આપતી રહી કે પાકિસ્તાન તરફે સૂત્ર પોકારવા એ દેશદ્રોહ નથી, પાકિસ્તાનને સ્વતંત્રતાની શુભેચ્છા આપવી એ અપરાધ નથી. (કાશ્મીરના વરાહમૂળ એટલે કે આજના બારામુલ્લાના પ્રાધ્યાપક જાવેદ અહેમદ હજમનો કેસ)
આજે ભારતમાં કેટલી જગ્યાએથી હિન્દુઓને ભગાડીને એ વિસ્તારોને મિની પાકિસ્તાન બનાવાયા છે? બન્યા તેની સામે આંખ મીંચામણાં થયાં છે? મસ્જિદમાં વિદેશથી કોણ આવે છે તેની કોઈ જાણકારી હોય છે સરકાર પાસે? પોલીસ પાસે? પોલીસ પણ ત્યાં જઈ શકે છે? જૂનાગઢમાં દરગાહનું ગેરકાયદે દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો થાય છે. અમદાવાદમાં સીએએ વિરોધી પ્રદર્શનમાં પોલીસ કટ્ટરવાદી હિંસાનો ભોગ બને છે. આ બધાનું મૂળ છે ઉત્તર પ્રદેશનું દારુલ ઉલૂમ દેવબંધ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, જામિયા મીલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી અને મદરેસાઓ. ત્યાંથી જ પાકિસ્તાનનો વિચાર જન્મ્યો. ત્યાંથી જ તાલિબાનો જન્મ્યા. અને તમારે તમારું ઉત્પાદન વેચવું હોય તો હલાલ સર્ટિફિકેટ મેળવવું પડે. તે મેળવવા પૈસા ચૂકવવા પડે અને તે પૈસામાંથી આવા હિંસા કરનારા મુસ્લિમ આરોપીઓને છોડાવાય છે.
દિલ્લીમાં સીએએ વિરોધી હિંસામાં મુસ્લિમ કબાડીને રાતોરાત જામીન મળી ગયા હતા. આવા કેસોમાં કપિલ સિબલ, અભિષેક મનુ સિંઘવી, પ્રશાંત ભૂષણ, ઇન્દિરા જયસિંહ જેવાં દિગ્ગજ વકીલો પોતાનું વજન મૂકી દે છે. પોતાની વગ વાપરે છે. ખાલી મળવા જાવ તો લાખો રૂપિયા લેતા આ વકીલોની સર્વોચ્ચમાં હાજરી આપવાની ફી ક્યાંથી આવે છે? કોણ ચૂકવે છે?
અને કેટલાંક મોટાં મીડિયા પણ ‘અમન કી આશા’ના નામે પાકિસ્તાનીઓને સારા ગણાવતું રહ્યું. કોઈ અપરાધમાં વર્ગ વિશેષની વ્યક્તિ હોય તો નામ જ ‘બેધડક’ નહીં છાપવાનું પણ હા, કોઈએ સારું કામ કર્યું હોય તો હેડિંગમાં નામ છાપવાનું. શાહરુખ ખાન-ફરાહ ખાન જેવા ‘મૈં હૂં ના’ જેવી ફિલ્મ બનાવી પાકિસ્તાનને શાંતિપ્રિય દેશ અને સેનાના હિન્દુ અધિકારી (જેનું નામ પણ પાછું રાઘવન દત્તા હોય – શ્રી રામ પરથી નામ હોય)ને આતંકવાદી બતાવવાનો !
હવે તો ટી.વી. ડિબેટમાંય, ગમે તેને સુરક્ષા નિષ્ણાત અને સેનાના પૂર્વ જવાન કે અધિકારી તરીકે બેસાડી દેવાય છે અને તેમાંય ડાબેરી-ઇસ્લામવાદી તો હોય ને એટલે યુદ્ધની વાત થાય તો પાકિસ્તાન પાસે પણ ઓછાં શસ્ત્રો નથી અને અગાઉની સરકારો વખતે પણ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી તેવા સૂરો ચલાવે. આવા લોકો સેનાના અધિકારીઓ-જવાનો તો ઠીક, પણ જનતાનું મનોબળ તોડવાનું કામ કરતા હોય છે.
અને એટલે જ પાકિસ્તાન કરતાં વધુ ભય છે ભારતની અંદરથી. માનો કે પાકિસ્તાન નામના ગુમડાની યુદ્ધરૂપી શસ્ત્રક્રિયા કરી સદા માટે ઉકેલ લાવી દીધો, તો બાંગ્લાદેશમાંથી આક્રમણ થશે, અફઘાનિસ્તાનમાંથી થશે, નહીં તો ભારતના મુર્શિદાબાદ, હૈદરાબાદ- આવા બધા ‘આબાદ’માંથી જ્યાં દેશને બરબાદ કરવાનાં સપનાં સેવતા લોકો આક્રમણ કરશે. માટે જ જ્યાંથી આ કટ્ટરવાદી વિચારસરણી જન્મે છે તે શિક્ષણનો અંત લાવવો પડે. રાષ્ટ્રભક્ત વિદ્વાન રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન તો કહે જ છે કે ભારતમાં જે અનુવાદિત કુરાન ભણાવાય છે તે મૂળ કુરાન સાથે સુસંગત નથી. વસીમ રિઝવીમાંથી જિતેન્દ્ર ત્યાગી બનેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુસ્લિમે કુરાનમાંથી વાંધાજનક ૨૬ આયાતો દૂર કરવા સર્વોચ્ચમાં યાચિકા કરી હતી પરંતુ જલ્લીકટ્ટુ, જન્માષ્ટમી, દિવાળી, મકરસંક્રાંતિ પર હિન્દુઓને આદેશ આપતાં ન્યાયાતંત્રએ એ યાચિકા ફગાવી દીધી. આ કામ આમ તો સ્વતંત્રતા પછી જ થઈ જવું જોઈતું હતું પરંતુ સ્વતંત્રતાનાં ૭૮ વર્ષેય નથી થઈ શક્યું.
હિન્દુઓને તો અહિંસા પરમો ધર્મઃના પાઠ ભણાવી ભણાવી નપુંસક બનાવી દેવાયા. ગાંધીજીએ રઘુપતિ રાઘવ રાજા રામમાં ઈશ્વર અલ્લાહ તેરો નામ ઘૂસાડ્યું, મોરારી બાપુએ કથામાં ‘અલી મૌલા’ કીર્તન ઘૂસાડ્યું (અને તોય તેમની કથા માટે ગયેલા ભાવનગરના યતીન પરમાર અને તેમના દીકરા સ્મિત પરમારને ત્રાસવાદીઓએ મારી નાખ્યા), પરંતુ સામા પક્ષે આવું થયું નહીં અને એટલે ૨૦૦૨ જેવા અપવાદોને બાદ કરતાં હિન્દુ સદા માર ખાતો રહ્યો. ને માર ખાતા રહ્યા ખ્રિસ્તીઓ, બૌદ્ધો, રાષ્ટ્રભક્ત મુસ્લિમો જેમને વક્ફ બાર્ડ સુધારા અધિનિયમ પસંદ છે, જેમને ભારત જીતે તે પસંદ છે, જેમને દિવાળી પણ મનાવવી છે, જે યુવતીઓને હિન્દુ યુવક પસંદ છે.
jaywant.pandya@gmail.com