પાકિસ્તાન સુપર લીગની ૧૧મી સીઝન ૨૬ માર્ચે શરૂ થઈ હતી, અને તેની શરૂઆત સાથે વિવાદ પણ ઉભો થયો હતો.પીસીબીએ પીએસએલ ૨૦૨૬ ની મેચો ફક્ત બે સ્ટેડિયમમાં યોજવાનો નિર્ણય લીધો હતો અને ચાહકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો. પાકિસ્તાન પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે સીઝનની પહેલી મેચમાં હાજરી આપી હતી, અને પીસીબીએ સોશિયલ મીડિયા પર એક સ્વાગત વિડિઓ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો પર નસીમ શાહે એક પોસ્ટ પોસ્ટ કરી હતી જે ઝડપથી વાયરલ થઈ ગઈ હતી, જેમાં તેમણે પીસીબી પર નિશાન સાધ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે આ જ પોસ્ટ માટે તેમને કારણદર્શક નોટિસ જારી કરી છે.
પીસીબી દ્વારા પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝને મળેલા વીઆઈપી ટ્રીટમેન્ટ અંગે પોસ્ટ કરાયેલા એક વીડિયો પર નસીમ શાહે ટિપ્પણી કરી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે, “લોર્ડ્સમાં તેમની સાથે રાણી જેવો વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે?” ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, પીસીબી દ્વારા જારી કરાયેલ કારણદર્શક નોટિસ અંગે એક નિવેદનમાં પીસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે નસીમ શાહે નિર્ધારિત સમયમર્યાદામાં બોર્ડને જવાબ આપવો પડશે. વધુમાં, પીસીબી વ્યાવસાયિક ધોરણો, કરારની શરતો અને રમતની ગરિમા જાળવવા માટે દરેક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. પીસીબી હવે નસીમ શાહના જવાબની રાહ જાઈ રહ્યું છે, જેના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નસીમ શાહે પીસીબીની પોસ્ટ પરની વિવાદાસ્પદ ટિપ્પણી થોડીવાર પછી ડિલીટ કરી દીધી. ત્યારબાદ તેમણે કહ્યું કે તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું અને આ પોસ્ટ તેમણે બનાવી નથી. જાકે,પીસીબી દ્વારા લેવામાં આવેલા આ પગલાથી મામલો વધુ ગંભીર બની ગયો છે, અને નસીમને કડક સજાનો સામનો કરવો પડી શકે છે. નસીમ શાહ પીએસએલ ૨૦૨૬ સીઝનમાં રાવલપિંડી પિંડીઝ ટીમનો ભાગ છે.













































