ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઇન્ડિયાએ આ મેચ ૨૮૦ રને જીતી લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમની ૨૮૦ રનની શાનદાર જીત પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીત્યા બાદ પાકિસ્તાનમાં શ્રેણી રમવા આવી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની જીતથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો ખુશ થઈ ગયા. પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન બાસિત અલીએ ભારતીય ટીમના વખાણ કર્યા છે. પ્રથમ ટેસ્ટમાં આર અશ્વીન, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત અને શુભમન ગિલ ભારત માટે મેચ વિનર તરીકે ઉભરી આવ્યા હતા.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ ભારતીય ટીમના બોલિંગ આક્રમણની તુલના પાકિસ્તાનની ઝડપી બોલિંગ ત્રિપુટી વસીમ અકરમ, શોએબ અખ્તર અને વકાર યુનિસ સાથે કરી છે. તેણે કહ્યું, ‘ભારતીય બોલિંગ યુનિટ એટલું પ્રભાવશાળી છે કે તે ઝડપી બોલર વસીમ અકરમ, શોએબ અખ્તર અને વકાર યુનિસની યાદ અપાવે છે.’ બાસિતે તેની યુટ્યુબ ચેનલ પર કબૂલ્યું હતું કે પગની સર્જરીમાંથી સાજા થઈ રહેલા મોહમ્મદ શમીની ગેરહાજરી છતાં ભારતીય બોલિંગ લાઇનઅપ ખૂબ જ મજબૂત લાગે છે.
ભારતીય ટીમ આ વર્ષના અંતમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે અને બાસિત માને છે કે લખનૌ સુપરજાયન્ટ્‌સના ફાસ્ટ બોલર મયંક યાદવનો ઉમેરો ભારતના ઝડપી બોલિંગ આક્રમણને વધુ આકર્ષક અને મજબૂત બનાવી શકે છે. તેણે કહ્યું, ‘મયંક યાદવનો બોલ ઘણો ખતરનાક છે. તેનો બાઉન્સર સચોટ છે. હું તેને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમતા જોવા માંગુ છું.
બાંગ્લાદેશ સામેની જીત સાથે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના પોઈન્ટ ટેબલમાં ટોચ પરનું સ્થાન મજબૂત કરી લીધું છે. હાલમાં ભારતની માર્કસની ટકાવારી ૭૧.૬૭ છે. આ પછી ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ આવે છે. ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા અથવા ભારત અને શ્રીલંકા વચ્ચે રમાય તેવી પૂરી શક્યતા છે.