અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે થયેલા એન્કાઉન્ટરમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જૂથના ઓછામાં ઓછા ૪૧ આતંકવાદીઓ માર્યા ગયા. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે રાત્રે ઉત્તર વઝીરિસ્તાન આદિવાસી જિલ્લાના બિબાક ઘર વિસ્તાર પાસે સશસ્ત્ર લડવૈયાઓ છુપાયેલા હતા ત્યારે તેમનો સામનો સુરક્ષા દળો સાથે થયો હતો.

“તેમાંથી મોટાભાગના અફઘાન નાગરિકો હતા,” અધિકારીએ જણાવ્યું. અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટર પછી, સુરક્ષા દળોએ બાકીના આતંકવાદીઓને મારવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનની સ્થાપના ડિસેમ્બર ૨૦૦૭ માં પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં થઈ હતી. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાન સરકાર સામે લડવાનો અને દેશમાં શરિયા કાયદો લાગુ કરવાનો છે. ટીટીપીના મૂળ અફઘાનિસ્તાનના તાલિબાન ચળવળમાં છે, પરંતુ આ સંગઠન પાકિસ્તાનમાં સ્વતંત્ર રીતે સક્રિય રહ્યું છે. તેની સ્થાપના દક્ષિણ વઝીરિસ્તાનના પ્રભાવશાળી નેતા બૈતુલ્લા મહેસૂદે કરી હતી. આ સંગઠન અનેક નાના અને મોટા જૂથોનું ગઠબંધન છે, જેમાંથી ઘણા જૂથો અલ-કાયદા અને અફઘાન તાલિબાન સાથે વૈચારિક અને વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે.

૨૦૦૯ માં,ટીટીપીએ પાકિસ્તાનની સ્વાત ખીણ પર કબજા કર્યો, જેને પાછળથી પાકિસ્તાન સેનાએ ઓપરેશન “રાહ-એ-રાસ્ત” દ્વારા ખાલી કરાવી. સૌથી ભયાનક હુમલો ૨૦૧૪ માં પેશાવરમાં આર્મી પબ્લિક સ્કૂલ પર ટીટીપી દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ૧૪૦ થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માર્યા ગયા હતા. ૨૦૨૦ પછી,ટીટીપી એ ઘણા છૂટાછવાયા જૂથોને ફરીથી ભેગા કર્યા છે. આ જૂથે ખાસ કરીને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન વિસ્તારોમાં તેના હુમલાઓ વધારી દીધા છે.