યુએસ-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાનમાં ઈંધણની અછતનો ભય છે. આનાથી પાકિસ્તાનના ઘણા શહેરોમાં ગભરાટ ફેલાયો છે. લાહોરના એક પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતાર લાગી છે. વિવાદ દરમિયાન ગ્રાહકોએ ગોળીબાર કરતા એક વ્યકિત નું મોત થયું હતું અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વધુ વિગતો આપતાં, પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે લાહોરથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર સિયાલકોટમાં બની હતી, જ્યારે ડાસ્કા રોડ પરના પેટ્રોલ પંપ પર ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, યુએસ-ઈરાન યુદ્ધ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી તેલ પુરવઠા અંગે વધતી ચિંતાને કારણે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક કારમાં બે માણસોએ તેમની કારમાં પેટ્રોલ ભર્યું અને પછી પેટ્રોલ પંપના કર્મચારીને તેઓ પોતાની સાથે લાવેલા બે કેન ભરવા કહ્યું.
પેટ્રોલ પંપના કર્મચારીએ ના પાડી દીધી, એમ કહીને કે સરકારી નીતિ કેનમાં પેટ્રોલ ભરવા પર પ્રતિબંધ મૂકે છે. પોલીસ અધિકારી દોસ્ત મોહમ્મદે કહ્યું, “આના કારણે પેટ્રોલ પંપના કર્મચારીઓ અને કારમાં બેઠેલા લોકો વચ્ચે ઝઘડો થયો.”
કારમાં બેઠેલા લોકોએ તેમને ગંભીર પરિણામોની ધમકી આપી અને ચાલ્યા ગયા. લગભગ એક કલાક પછી, કારમાં સવાર લોકો હથિયારો સાથે પાછા ફર્યા, પેટ્રોલ પંપના કર્મચારીઓ પર હુમલો કર્યો અને ગોળીબાર કર્યો, જેમાં ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી. ઘાયલોમાંથી એક, ૨૫ વર્ષીય મોહમ્મદ સિબ્તૈનનું હોસ્પિટલ માં મૃત્યુ થયું, જ્યારે અન્ય બેની હાલત ગંભીર છે.










































