પાકિસ્તાનના પેશાવરમાં ફેડરલ કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલય પર સોમવારે હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, મુખ્યાલયની નજીક અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા, જેના પગલે વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ અનુસાર, હુમલામાં સામેલ આત્મઘાતી બોમ્બરો માર્યા ગયા છે. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા, અને બે અન્ય ઘાયલ થયા હતા.પાકિસ્તાનની ધ ડોન વેબસાઇટ અનુસાર, હુમલો સવારે ૮ વાગ્યાની આસપાસ સદ્દર-કોહાટ રોડ પર થયો હતો. એક આત્મઘાતી હુમલાખોરે મુખ્યાલયના ગેટ પર પોતાને ઉડાવી દીધો. ત્યારબાદ ગોળીબારનો અવાજ સંભળાયો. આ દરમિયાન, બીજા હુમલાખોરે મુખ્યાલયમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જાકે, સુરક્ષા દળોએ તેને ગોળી મારીને ઠાર માર્યો. ત્યારબાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને બચાવ કામગીરી શરૂ કરી.આ દરમિયાન, પેશાવરની સૌથી મોટી સરકારી હોસ્પીટલ, લેડી રીડિંગ હોસ્પીટલમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. હોસ્પીટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છ ઘાયલ લોકોને લાવવામાં આવ્યા હતા, જે બધાની હાલત સ્થિર છે. હુમલો કરાયેલ ફેડરલ પોલીસ ફોર્સ એક નાગરિક અર્ધલશ્કરી દળ હોવાનું કહેવાય છે, જે અગાઉ ફંટીયર કોન્સ્ટેબ્યુલરી તરીકે ઓળખાતું હતું. આ વર્ષના જુલાઈમાં, શાહબાઝ શરીફની સરકારે તેનું નામ બદલીને ફેડરલ કોન્સ્ટેબ્યુલરી રાખ્યું. પેશાવરમાં તેનું મુખ્ય મથક ભીડભાડવાળા વિસ્તારમાં આવેલું છે, અને એક લશ્કરી છાવણી પણ ખૂબ નજીકમાં સ્થિત છે.નોંધનીય છે કે તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતોમાં. આ વધારાનું મુખ્ય કારણ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે પાકિસ્તાન સરકારના શાંતિ કરારનું ભંગાણ છે.









































