સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મોટી રાહત આપી. કોર્ટે ૯ મે ૨૦૨૩ની હિંસા સંબંધિત આઠ કેસમાં ઇમરાન ખાનને જામીન આપ્યા છે. આનાથી તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.તમને જણાવી દઈએ કે ૯ મે ૨૦૨૩ ના રોજ ઇસ્લામાબાદમાં ઇમરાન ખાનની ધરપકડ બાદ, તેમના સમર્થકોએ ઘણા શહેરોમાં હિંસા અને તોડફોડ કરી હતી. આ પછી, ખાન અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના ઘણા નેતાઓ સામે રમખાણો ભડકાવવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યા હતા.સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચ, મુખ્ય ન્યાયાધીશ આફ્રિદીની અધ્યક્ષતામાં અને ન્યાયાધીશ શફી સિદ્દીકી અને ન્યાયાધીશ મિયાંગુલ ઔરંગઝેબની બનેલી કેસની સુનાવણી કરી રહી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે ઇમરાન ખાનને જામીન આપ્યા. ખાન વતી એડવોકેટ સલમાન સફદરે અને સરકાર વતી પંજાબના સ્પેશિયલ પ્રોસિક્્યુટર ઝુલ્ફીકાર નકવીએ દલીલ કરી. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇએ નિર્ણયનું સ્વાગત કર્યું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર વિકટરીફોરઇમરાનખાન હેશટેગ સાથે ખુશી વ્યક્ત કરી. શું ઇમરાન હવે જેલમાંથી બહાર આવશે?પીટીઆઈના આંતરરાષ્ટ્રિય પ્રવક્તા ઝુલ્ફીકાર બુખારીએ જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટે ૯ મેના કેસોમાં ઇમરાન ખાનને જામીન આપ્યા છે. હવે ફક્ત એક જ કેસમાં જામીનની જરૂર છે, અલ-કાદિર ટ્રસ્ટ કેસ, જેના પછી તેમને જેલમાંથી મુક્ત કરી શકાય છે.” જાકે, બુખારીએ સ્પષ્ટતા કરી હતી કે આ જામીન છતાં, ખાનને હજુ સુધી મુક્ત કરવામાં આવશે નહીં, કારણ કે તેઓ ૧૯૦ મિલિયન પાઉન્ડ ભ્રષ્ટાચાર અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં સજા ભોગવી રહ્યા છે.૭૨ વર્ષીય ઇમરાન ખાને ૯ મેના રમખાણો (લાહોર કોર્પ્સ કમાન્ડરના ઘર પર હુમલો સહિત) સંબંધિત કેસોમાં લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જે નવેમ્બર ૨૦૨૪ માં ફગાવી દેવામાં આવી હતી. બાદમાં, લાહોર હાઇકોર્ટે પણ ૨૪ જૂન ૨૦૨૫ ના રોજ તેમની અપીલ ફગાવી દીધી હતી. આ પછી તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. એપ્રિલ ૨૦૨૨ માં પદ પરથી હટાવાયા બાદ ઇમરાન ખાન ઘણા કેસોનો સામનો કરી રહ્યા છે. ઓગસ્ટ ૨૦૨૩ થી તેઓ રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષાવાળી આદિયાલા જેલમાં બંધ છે.