નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ ઉત્પીડનને કારણે પાકિસ્તાન છોડી ગયેલા અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ કે તે પહેલા ભારતમાં આવેલા પાકિસ્તાનના લઘુમતીઓ માટે દેશમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવાના દ્વાર ખોલ્યા છે. કમિશને ભારતની નાગરિકતા મેળવનારા આવા લોકોને મોર્ડર્ન મેડિસિન કે અલોપથીની પ્રેક્ટિસ કરવાનું કાયમી રજિસ્ટ્રેશન આપવા માટે અરજીઓ મંગાવી છે.
એનએસીના અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ જારી કરેલી જાહેર નોટિસ મુજબ આવા શોર્ટલિસ્ટેડ અરજદારોને કમિશન કે તેની એજન્સી દ્વારા યોજવામાં આવનારી પરીક્ષામાં બેસવાની છૂટ અપાશે. એનએમસીએ જૂનમાં આ અંગેની માર્ગરેખા ઘડવા નિષ્ણાતોના એક ગ્રૂપની રચના કરી હતી, જેથી પાકિસ્તાનમાં ઉત્પીડનનો શિકાર બનેલા એવા લઘુમતી મેડિકલ ગ્રેજ્યુએટ માટે સૂચિત પરીક્ષા સંબંધિત ગાઇડનલાઇન તૈયાર કરી શકાય.
એમઇબીના જણાવ્યા અનુસાર આવા અરજદારો પાસે માન્ય મેડિકલ લાયકાત હોવી જાઇએ અને ભારતમાં સ્થળાંતર કરતાં પહેલા પાકિસ્તાનમાં મેડિસિનની પ્રેક્ટિસ કરી હોવી જોઇએ. અરજી કરવાની છેલ્લી તારીખ ૫ સપ્ટેમ્બર છે. અરજદારોને એનએમસીની વેબસાઇટ પર આપવામાં આવેલી એક લિન્ક મારફત ઓનલાઇન અરજી કરતી વખતે સૂચનાનું ચુસ્ત પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. ઓફલાઇન અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં. શોર્ટલિસ્ટેડ અરજદારોને મેડિકલ કમિશનની પરીક્ષામાં બેસવાની છૂટ અપાશે. આ એક્ઝામમાં પાસ થયેલા અરજદારોને ભારતમાં મોડર્ન મેડિસિન કે એલોપથીની પ્રેક્ટિસ કરવાનું કાયમી રજિસ્ટ્રેશન આપવામાં આવશે.