તળાવમાં નાહવા ગયેલા બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા હતા. ભાણવડ નજીક રાણા રોજીવાડા ગામે શનિવારે સ્કૂલેથી છૂટ્યા બાદ બે વિદ્યાર્થીઓ નેસડા તળાવમાં નાહવા ગયા હતા. દરમિયાન ઊંડા પાણીમાં જતા બંને બાળકો ડૂબી ગયા હતા. બંને બાળકો પાણીમાં ડૂબી જતા આસપાસના લોકો એકઠા થયા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં નિખિલ હાજાભાઈ ટોરીયા (ઉંમર ૧૧ વર્ષ) અને સુમિત જગદીશભાઈ સોલંકી (ઉંમર ૧૨ વર્ષ) નામના બે બાળકોના મોત થયા છે.
બંને બાળકોના મૃતદેહોને ભાણવડ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. બે બાળકોના મૃત્યુથી રાણા રોજીવાડા સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે. ત્યારે આમાં જાણવા મળ્યું છે કે, સુમિત સોલંકી તેના પરિવારમાં પાંચ બહેનો વચ્ચેનો એકનો એક ભાઈ હતો.
ભાણવડ નજીક રાણા રોજીવાડા ગામે રહેતા બે મિત્રો નિખિલ હાજાભાઈ ટોરીયા તથા સુમિત જગદીશભાઈ સોલંકી શનિવારે (૨૮ માર્ચ) બપોરે શાળાએથી છૂટ્યા બાદ ઘરે જવા જતા હતા. રસ્તામાં આવતા નેસડા તળાવ પાસે પહોંચતા બંને બાળકોને નાહવાનો વિચાર આવ્યો હતો. ઉનાળાના બપોરનો સમય હોવાથી બંને બાળકો તળાવના પાણીમાં નાહવા ગયા હતા. નાહતાં નાહતાં બંને બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો ડૂબતા હોવાની જાણ આસપાસના લોકોને થતાં જ તેઓ બચાવવા માટે દોડી આવ્યા હતા. જાકે બંને બાળકોને બચાવી શકવામાં નિષ્ફળ થયા હતા.
આ દુર્ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે, સુમિત સોલંકી તેના પરિવારમાં પાંચ બહેનો વચ્ચેનો એકનો એક ભાઈ હતો. એકાએક ભાઈનું મૃત્યુ થતાં બહેનો અને માતા-પિતાના પરિવારમાં આઘાત છવાયો હતો. તો બીજી બાજુ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ બંને બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બંનેને તાત્કાલિક ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારજનો ઉમટી પડ્યા હતા. આ મામલે બગવદર પોલીસે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.