ર૦૦૯માં શેત્રુંજી નદીમાં ટ્રક ખાબક્યો હતો, જેમાં પાંચના મોત થયા હતા
ગુજરાત હાઇકોર્ટમાં કોટેશ્વરમ આદિમૂલમ મુદલિયાર સહિત કુલ ૦૫ લોકોએ પોતાની સામેની કાનૂની કાર્યવાહી રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. જેને ગુજરાત હાઇકોર્ટે નકારી નાખી છે. કેસને વિગતે જોતા ૩૦ જુલાઈ, ૨૦૦૯ના રોજ કર્ણાટક પાસિંગનો વોલ્વો ટ્રક, ૧૩૮ પૈડાના ટ્રેલર સાથે ટર્બાઇન એન્જિનને મુન્દ્રાથી પીપાવાવ લઈ જઈ રહ્યો હતો.જેમાં સુપરવાઇઝર ટ્રક ડ્રાઇવર, એન્જિન લોડ અને અનલોડ કરતા લોકો સામેલ હતા. મુન્દ્રાથી પીપાવાવનું અંતર ૪૫૦ kmનું હતું. ટ્રક એક દિવસના ૪૦ કિલોમીટર જેટલું અંતર કાપતો હતો. જેને મુન્દ્રાથી પીપાવાવ પહોંચતા ૧૦ દિવસ લાગવાના હતા. ટ્રકે નવ દિવસમાં ૩૪૦ kmનું અંતર કાપી લીધું હતું. પરંતુ ટ્રક શેત્રુંજી નદી ઉપર આવેલા બ્રિજ પરથી પસાર થતા બ્રીજ તૂટ્યો હતો અને ટ્રક નદીમાં પડ્યો હતો. જેમાં કુલ ૦૫ લોકોના મૃત્યુ થયા હતા. જેથી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અરજદારોએ નીચલી કોર્ટ સમક્ષ ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરી હતી, જેને નકારી નાખવામાં આવી હતી. અરજદારોનું કહેવું હતું કે તેમના તરફથી કોઈ બેદરકારી રાખવામાં આવી નથી અને ટ્રકે સહી સલામત રીતે ૩૪૦ kmનું અંતર કાપ્યું હતું. વળી ટ્રક સાથે સંકળાયેલ JM બક્ષી કંપનીએ બ્રિજ રીપેરીંગ કે નવો બ્રિજ બનાવવાનો ખર્ચ પણ આપી દેતા નેશનલ હાઈવે ઓથોરિટીએ ફરિયાદ રદ થાય તો વાંધો નહીં, તેમ પણ જણાવ્યું હતું. જો કે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત થઈ હતી કે, આરોપીઓએ કોઈપણ જાતની મંજૂરી વગર ખૂબ ભારે અને મોટા વાહનને રોડ ઉપર ચલાવ્યું હતું. RTO એ બે વખત ટ્રકને ઝડપીને કુલ ૧.૮૦ લાખનો દંડ પણ ફટકાર્યો હતો. તેમ છતાં તેમને કોઈ ઓથોરિટી પાસેથી પરવાનગી મેળવવાનું જરૂરી સમજ્યું ન હતું. ટ્રક, એન્જિન અને ટ્રેલરનું કુલ વજન થઈને ૨૫૦ ટન કરતાં વધુ હતું. આરોપીઓએ આ કામ માટે કોઈ મંજૂરી લીધી નહોતી.RTO એ તેમને પકડીને દંડ કર્યો તેમ છતાં પણ તેઓ આગળ વધ્યા હતા. તેમની બેદરકારીથી પ્રાથમિક દ્રષ્ટિએ ૫ લોકોના જીવ ગયા હતાં. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, શેત્રુંજી નદી ઉપરનો બ્રિજ ટ્રક ટ્રેલર અને એન્જિન સાથેનું વજન ખમી શક્યો નહોતો અને બ્રિજ તૂટી પડ્યો હતો. બ્રિજ ઉપર ભારે અને ઓવરવેઇટ વાહન ઉપર પ્રતિબંધ હતો. આરોપીઓ જાણતા હતા કે આવું કામ કરવાથી અકસ્માતની શક્યતા રહેલી છે, તેમ છતાં તેમણે આવું કાર્ય કર્યું હતું. આથી હાઇકોર્ટે આરોપીઓની અરજી નકારી નાખી હતી.










































