(1)પહેલો સગો પાડોશી તો બીજો કયો ?

જીગર યાદવ (કરજણ)

બીજો સગો કોને રાખવો છે એ તમે અને તમારા પાડોશી મળીને નક્કી કરી લેજો.

(2)પત્નીના હાથની રોટલી ગોળ કઈ રીતે બનતી હશે?

જયેશ પ્રવીણભાઈ (ધોરાજી)

તમે ખાલી રોટલી બનતી હોય એ જોયા જ કરો કે ક્યારેક ખાઓ પણ ખરા?! આ તો ખાલી પૂછું છું.

(3)તમને રસોઈ ફાવે?

રમાબેન પટેલ(અમદાવાદ)

જમતા કે બનાવતા?

(4)હવે પ્લાસ્ટિકના કપમાં ચા અપાય છે એના વિશે તમારું શું કહેવું છે?

જયદીપ વ્યાસ (રાણપુર)

એમાં બીજો કાઈ વાંધો નથી પણ કપ મો તરફ લઈ જઈએ તો એક ઘૂંટડે બધી ચા પુરી થઈ જાય છે અને મોં કપ તરફ લઈ જઈએ તો નાક નડે છે!

(5) લગ્નમાં હાથે મીંઢોળ કેમ બાંધવામાં આવે છે?

ચાંદની એમ. ધાનાણી (અમદાવાદ)

ગળામાં ન ફાવેને !

(6) હરખપદુડા કોને કહેવાય?

ધવલભાઈ પાનવાળા (રાજકોટ)

બસમાં બેસવાની જગ્યા હોવા છતાં દરવાજે જઈને ઉભા રહે એને!

(7) મને બીજાના ઘેર ડીજે વાગતું હોય તો પણ નાચવાનું મન થાય છે. તમને આવું થાય?

વિપુલભાઈ દેવમુરારી (ભાવનગર)

મને બીજાના ઘેર પુરણપોળી બનતી હોય તો પણ ખાવાનું મન થાય છે.

(8)જગતમાં પેટ્રોલ, ડીઝલ,ગેસ, કેરોસીન, વીજળી,બાકસ  સદંતર બંધ થઈ જાય તો બધાનું શું થાય?

ડાહ્યાભાઈ .ઝ. આદ્ગૉજા. (લિલિયા મોટા)

આ બધું બંધ થાય એ પહેલાં તો અમે ચંદ્ર પર રહેવા જતા રહીશું જોજો !

(9) ચંદ્ર પર પહેલું મકાન કોઈ ગુજરાતી બનાવશે. તમારું શું કહેવું છે?

જય દવે (ભાવનગર)

સોરી, હું તમારી સાથે સંમત નથી. તમિલનાડુ પાસે રજનીકાંત છેને!

(10)આ કાળજાળ ગરમીમાં તમને હવનમાં બેસવાનું કીધું હોય તો ?

પ્રિયંકા કૃણાલ સાવલિયા (સુરત)

એકવાર બેઠો હતો. ઓળખતો નહોતો એવા લોકો પણ વારેવારે શરબત અને ઠંડા પીણાં પાઈ જાતા હતા. એક જણ તો બરફનો ગોલો લઈ આવ્યો હતો. ગોરદાદાએ મંજુરી આપી હોત તો એ પણ (પેટમાં) સ્વાહા કરી જાત.

(11)તમે દિવસમાં કેટલીં વખત અને ક્યારે ક્યારે થનગનાટ કરો છોં?

કનુભાઈ લિંબાસિયા  ‘કનવર’  (ચિત્તલ)

જ્યારે મોબાઈલમાં હું વાત કરવા જાઉં અને પૂરતું કવરેજ ન આવે ત્યારે.

(12)અમુક લોકોના જીવનમાં દુઃખ નથી હોતું છતાંય સોશિયલ મીડિયા પર દુઃખભર્યા સ્ટેટ્સ શા માટે રાખતા હોય છે?                           વૈદેહી.એલ.પરમાર (અમરેલી)

ભુતપૂર્વ દુઃખને ઈમ્પ્રેસ કરવા માટે!

(13) મગફળીને ગરીબોની બદામ કહેવાય તો બદામને શું કહેવાય?

ઉન્નતિ મહેતા (રાજકોટ)

શ્રીમંતોની મગફળી.

(14) એક સાડી પર લખ્યું હતું કે યોગ કરો અને તંદુરસ્ત રહો. તો યોગ માત્ર સ્ત્રીઓએ જ કરવાના?

ભાર્ગવ ભટ્ટ (જામનગર)

તમે લેંઘા પર લખાવો.

(15) તમે ક્યાંય જતા હો અને બિલાડી આડી ઉતરી હોય તો ક્યારેય નુકસાન થયું છે?

પૂજા રમેશભાઈ ( કોડીનાર)

એકવાર ઉતરી હતી અને હું પાછો ન વળ્યો એટલે લગભગ પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. બાય ધ વે, હું બજારમાં ખરીદી કરવા ગયો હતો!