ગુજરાતની ધર્મમય અને ભક્તિસભર સંસ્કૃતિને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, વિસનગરમાં ‘આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા’ દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભજન મંડળીઓને સામાજિક સમરસતા અને જાગૃતિ ફેલાવવાનું એક મોટું માધ્યમ ગણાવી તેમનું વિશેષ સન્માન કર્યું હતું.
વિસનગર ખાતે ‘આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સામાજિક વિષયો પર ભજન સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભજન મંડળીઓને ‘સામાજિક સમરસતા અને જાગૃતિનું મોટું માધ્યમ’ ગણાવી બિરદાવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૪ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ઉજવાઈ રહેલા ‘વિકાસ સપ્તાહ’નો મૂળ મંત્ર ‘વિકાસથી વિરાસત’ને સાકાર કરવાનો છે, અને ભજન-ભક્તિ આપણી આ અમૂલ્ય વિરાસત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભજનની શક્તિ વર્ણવતા કહ્યું કે, જ્યારે અલગ-અલગ જાતિ, ધર્મ અને વર્ગમાંથી આવતી બહેનો એક સાથે ભજન ગાય છે, ત્યારે સર્વ ભેદભાવ ભૂલીને ભગવાનમય બની જાય છે, આ ભક્તિની ખરી તાકાત છે. ભજન માત્ર આત્મસાક્ષાત્કાર જ નહીં, પરંતુ ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે સાથે મળીને રહેવાનો ભાવ પણ જન્માવે છે. આ ભાવના જ વડાપ્રધાનના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ મંત્રનું મૂળ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભજન મંડળીના સામાજિક યોગદાનને બિરદાવતા કહ્યું કે, જ્યાં લોકો ભેગા થાય છે, ત્યાં સમાજ જીવનના વિષયો પર પણ ભજનનું નિર્માણ થાય છે. આ રીતે ભજન મંડળી સામાજિક જાગૃતિ, ભાઈચારો અને સમરસતાનો સંદેશ ફેલાવવાનું મોટું કામ કરી રહી છે. તેમણે ભજન મંડળીઓને આહવાન કર્યું કે વડાપ્રધાન મોદી દ્વારા અપાયેલા ‘વોકલ ફોર લોકલ’ મંત્રને અપનાવીને સ્વદેશીનો સંકલ્પ સિદ્ધ કરવામાં સહાયક બને. ભજન મંડળી આ વિષય પર ભજનો બનાવીને જન આંદોલન ઊભું કરી શકે તેમ છે.
આ કાર્યક્રમમાં ભજન મંડળીઓ વચ્ચે પરિવાર જીવન, સ્વચ્છતા, અન્નનો આદર અને મોબાઈલના વધતા ઉપયોગ જેવા સામાજિક જાગૃતિના વિષયો પર ભજન બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્પર્ધાના વિજેતા મંડળીઓને સન્માનિત કર્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, “ગીતમાં ભક્તિ મળે તો ભજન બને છે, જે આત્માથી પરમાત્મા સુધી પહોંચાડવાનો માર્ગ છે.”









































