સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામમાં હજુ ૧૯ જાન્યુઆરીના રોજ ૨૧ કરોડના ખર્ચે બનેલી નવીનક્કોર પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ કડડડભૂસ થઈને ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના પાછળ જવાબદાર ‘જયંતી સુપર’ કંપનીને લઈને હવે મહેસાણામાં પણ ગંભીર સવાલો ઉભા થયા છે. આ જ વિવાદાસ્પદ કંપની મહેસાણામાં અંદાજે ૧૨૦ કરોડના પાણીપુરવઠાના કામો કરી રહી છે, જે હવે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યા છે.
મહેસાણાના પૂર્વ કોર્પોરેટર જનક બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો છે કે શહેરમાં બની રહેલી નવી ટાંકીઓમાં અત્યારથી જ તિરાડો અને ભેજ જાવા મળી રહ્યો છે. ચવેલીનગરમાં બની રહેલી ટાંકીમાં ગુણવત્તાના ગંભીર પ્રશ્નો ઉઠતા છેલ્લા ચાર મહિનાથી કામ બંધ કરી દેવાયું છે. સુરત જેવી હોનારત અહીં ન સર્જાય તે માટે તાત્કાલિક સેફ્ટી ઓડિટ અને તપાસની માંગ ઉઠી રહી છે.
કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરના જણાવ્યા અનુસાર, ‘જયંતી સુપર’ નામની કંપની સરકારના વિવિધ વિભાગોની માનીતી કોન્ટ્રેક્ટર છે અને સરકારે અગાઉ આ કંપની પાસેથી પૈસા પરત લેવા માટે નોટિસ પણ ફટકારી હતી, તેથી મહેસાણામાં આ કંપની દ્વારા કરાયેલા તમામ કામોની ઝીણવટભરી તપાસ થવી જાઈએ. બીજી તરફ, પૂર્વ વિપક્ષ નેતા કમલેશ સૂતરિયાએ માંગ કરી છે કે નવનિર્મિત ટાંકીઓની મજબૂતીનું યોગ્ય ટેસ્ટિંગ કરાવવું જાઈએ અને જા તેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાનું માલુમ પડે, તો કંપની સામે કાયદાકીય ફરિયાદ નોંધી તેને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવી જાઈએ.
જ્યારે આ મામલે જીયુડીસીના અધિકારી હર્ષ રાવલનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે અજીબ બચાવ કરતા કહ્યું કે, “આ લીકેજ નથી, માત્ર ક્ષાર જમ્યો હોવાના ધબ્બા છે.” અધિકારીના આ નિવેદનથી લોકોમાં વધુ રોષ જાવા મળી રહ્યો છે, કારણ કે સુરતમાં પણ આવી જ બેદરકારીને કારણે ટાંકી તૂટી પડી હતી.
અમૃત ૨.૦ યોજના હેઠળ મહેસાણામાં એક ખાનગી કંપનીને વિશાળ કોન્ટ્રેક્ટ સોંપવામાં આવ્યો છે, જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં ૧૩૩ કિમી લાંબી પીવાના પાણીની લાઈન નાખવાની કામગીરી સામેલ છે, જેમાંથી ૯૦ કિમીનું કામ પૂર્ણ થઈ ચૂકયું છે. પાણીના સંગ્રહ માટે સોમનાથ-ઋતુરાજ, કસબા ટેકરા, રામોસણા, ચવેલીનગર અને અંબાજી માતા મંદિર વિસ્તારમાં મળીને કુલ ૫ નવી ટાંકીઓ તેમજ ૬ થી ૧૦ લાખ લિટરની ક્ષમતા ધરાવતા ૬ મોટા સંપ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, શહેરમાં ૫ ગટર પમ્પિંગ સ્ટેશન અને ૩૪ કિમી લાંબી ગટર લાઇન નાખવાની સાથે નાગલપુર પાસે આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
૧૯ જાન્યુઆરીએ સુરતના ગાયપગલામાં ૧૧ લાખ લિટરની ક્ષમતાવાળી ટાંકી અડધી ભરાતા જ તૂટી પડી હતી, જેમાં ૩ મજૂરોને ઇજા થઇ હતી. એક તરફ ૭૫ વર્ષ જૂની ટાંકીઓ જેસીબીથી પણ માંડ તૂટે છે, ત્યારે બીજી તરફ ૨૧ કરોડની નવી ટાંકી પાણી ભરતા જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય તે તંત્ર અને કોન્ટ્રેક્ટરની મિલીભગત સામે મોટા સવાલો ઉભા કરે છે.









































