પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ૨૬ લોકોની ક્રૂર હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે આતંકવાદીઓ અને તેમના આકાઓ સામે કડક કાર્યવાહી કરશે. આ દરમિયાન, ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને જાપાની સંરક્ષણ પ્રધાન નાકાતાની વચ્ચે એક મોટી બેઠક થઈ છે. આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
માહિતી અનુસાર, સોમવારે ભારત અને જાપાનના સંરક્ષણ પ્રધાનો વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલા, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધતી લશ્કરી ગતિવિધિઓ અંગે એક બેઠક યોજાઈ હતી. બંને પક્ષોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિસ્થિતિ અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ વધારવા અંગે ચર્ચા કરી. છેલ્લા ૬ મહિનામાં બંને દેશોના સંરક્ષણ પ્રધાનોની આ બીજી બેઠક છે.
ભારત-જાપાન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું – “પહલગામ આતંકવાદી હુમલાના પગલે ભારત સાથે મજબૂત એકતા દર્શાવવા બદલ હું જાપાન સરકારનો આભાર માનું છું. આ પ્રસંગે, હું ભારત-જાપાન સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવામાં તમારા અપાર યોગદાનની પ્રશંસા કરું છું.”
ભારત-જાપાન સંરક્ષણ મંત્રી સ્તરની બેઠક પછી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઠ પર ટ્‌વીટ કર્યું – “નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી જનરલ નાકાતાની સાનને મળીને આનંદ થયો. ભારત અને જાપાન વચ્ચે ખાસ, વ્યૂહાત્મક અને વૈશ્ચિક ભાગીદારી છે. બેઠક દરમિયાન, અમે સંરક્ષણ સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા અંગે ચર્ચા કરી. બંને પક્ષોએ આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરી અને સરહદ પારના જાખમોનો સામનો કરવા માટે સહયોગ અને પ્રયાસો વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.”