પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી હજુ થોડા મહિના દૂર છે. અગાઉ,ટીએમસી નેતા અનુબ્રત મંડલના ગઢ બીરભૂમમાં ભાજપનો વિજય થયો છે. સૈંથિયામાં ઇટાહટ સહકારી મંડળીની ચૂંટણીમાં, ભગવા છાવણીએ બધી ૯ બેઠકો જીતી લીધી છે. રાજ્યના શાસક પક્ષને એક પણ બેઠક મળી નથી. ડાબેરીઓએ પણ ચૂંટણીમાં ભાગ લીધો હતો, પરંતુ, તેમને પણ કોઈ બેઠક મળી નથી. ભાજપ સૈંથિયામાં આ જીતને વિધાનસભા ચૂંટણી પહેલાની મોટી સફળતા તરીકે જોઈ રહી છે.
ઇટાહટ સહકારી મંડળીમાં કુલ ૯૨૮ મતદારો છે. ભાજપ, તૃણમૂલ અને ડાબેરી પક્ષોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો. પરિણામો જાહેર થયા પછી, એવું જાવા મળ્યું કે તૃણમૂલ અને ડાબેરી પક્ષો આ સહકારી ચૂંટણીઓમાં કોઈ ખાસ અસર કરી શક્્યા નથી. બધી બેઠકો જીત્યા બાદ ભાજપના કાર્યકરો ખુશ હતા.
ભાજપે ફેસબુક પોસ્ટ પર લખ્યું કે બીરભૂમમાં જાગૃતિ શરૂ થઈ ગઈ છે, ૨૦૨૬માં ભાજપ સરકાર! શાસક પક્ષની અવગણના કરીને, ભાજપ સમર્થિત ઉમેદવારોએ બીરભૂમના મયુરેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં ઇટાહટ સહકારી મંડળીની ચૂંટણીમાં ૯ માંથી ૯ બેઠકો પર જંગી વિજય મેળવ્યો. બધા વિજેતા ઉમેદવારોને અભિનંદન!
સહકારી મંડળીમાં વિજય મેળવ્યા બાદ, બોલપુર સંગઠનાત્મક જિલ્લાના ભાજપ પ્રમુખ શ્યામપદ મંડલે કહ્યું, “તૃણમૂલનો ગઢ ઘણા સમય પહેલા તૂટી ગયો છે. હવે અહીં ટીએમસીનો કોઈ જન આધાર નથી. જ્યાં પણ મતદાન થયું ત્યાં તેણે પોલીસનો ઉપયોગ કર્યો. પરંતુ, જ્યાં પણ લોકો મતદાન કરી શક્યા ત્યાં તૃણમૂલ હારી ગયો.”
તેમણે વધુમાં કહ્યું, “મયુરેશ્વર બીરભૂમ જિલ્લામાં ભાજપનો ગઢ છે. અમને બધી બેઠકો જીતવાની સંપૂર્ણ આશા હતી. તૃણમૂલના નેતાઓ રાજકારણના નામે અહીં તમાશા કરી રહ્યા છે, પરંતુ ફક્ત અહીં જ નહીં, જ્યાં પણ લોકો મતદાન કરે છે, ત્યાં ભાજપ જીતશે.”
બીરભૂમને તૃણમૂલના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ અનુબ્રત મંડલના વતન તરીકે ઓળખવામાં આવે છે. લોકસભા ચૂંટણીમાં, તૃણમૂલ કોંગ્રેસે આ જિલ્લાની બધી બે બેઠકો જીતી હતી. ફરી ૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણીમાં, તૃણમૂલ કોંગ્રેસે બીરભૂમમાં ૧૧ માંથી ૧૦ બેઠકો જીતી. ભાજપે એક બેઠક જીતી. આ ચૂંટણી પરિણામ ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણી પહેલા આવ્યું છે અને ભાજપ છાવણી તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે.