વ્રત પૂજા અને તહેવારોની શૃંખલાનો માસ એટલે શ્રાવણ મહિનો. દેવાધિ દેવ મહાદેવના નામે આખો મહિનો ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવાનો પવિત્ર શ્રાવણ માસ શરૂ છે. સાથે સાથે આ માસમાં ભગવાન શિવ પણ જેના દર્શન માટે ગોકુળમાં વ્રજની નારીનું સ્વરૂપ ધારણ કરીને ગયા હતા એવા સૌના લાડીલા, પ્યારા, નટખટ, તોફાની, કર્મયોગી શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમીનો તહેવાર પણ આ માસમાં આવે છે.
જેમાં બોળ ચોથ, નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને ગોકુળ આઠમ સહિત પાંચેય તહેવારોનો અલગ અલગ મહિમા અને માતમ છે. એની પહેલા અષાઢ મહિનાની પૂનમથી પ્યારા પરમેશ્વરનું બાળ સ્વરૂપ શ્રીકૃષ્ણને હિંડોળે ઝુલાવવા માટે હવેલીમાં એક મહિનો સુધી દરરોજ અલગ અલગ શૃંગાર સાથેના હિંડોળા દર્શન થાય છે. પ્રેમ ભક્તિની આ પરંપરા પેઢી દર પેઢીથી ચાલી આવે છે. તેમજ સનાતન ધર્મના સૌ સંતો અને ભક્તો આખો શ્રાવણ માસ ભગવાન શિવજીનું બિલિપત્રોથી શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરે છે. બહેનોના વ્રત પણ હોય છે. આમ ધર્મ ભક્તિ દ્વારા જન માનસમાં પરસ્પર સત્ય, પ્રેમ, કરુણા અને દાનના ભાવ પ્રગટ થાય છે. એટલે કે આખો શ્રાવણ ભરપૂર તહેવારો સાથે ભક્તિ, નિત્યપૂજન, નિયમને મહિમા વાળો મહિનો છે. ત્યારે મનુષ્ય માટે આ પાંચ મહાવ્રત પાળવા જેવા છે. પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ, ક્ષમા અને દાન. પ્રભુપ્રેમની સાથે માનવ માનવ વચ્ચે પરસ્પર પ્રેમભાવ રાખવો. સર્વ શક્તિમાન ઈશ્વર પર શ્રદ્ધા રાખવી અને સાથે કૃષ્ણના કર્મયોગ મુજબ ફળની આસક્તિ વિના કાર્ય કરતા રહેવું. ઈશ્વરીય આરાધના માટે ભજન સત્સંગ અને કીર્તન દ્વારા ગુરુ ગોવિંદના ગુણગાન ગાઈને નામ સ્મરણથી ભક્તિનું વ્રત રાખવું. ’ક્ષમા વીરસ્ય ભૂષણમ’ ની જેમ ક્ષમાભાવનું વ્રત અને પાંચમું વ્રત દાનનો મહિમા સમજીને આ પવિત્ર માસમાં સૌએ યથાશક્તિ દાન-પુણ્ય કરવું. આ પાંચેય વ્રતની શરૂઆત શ્રાવણ માસથી કરીને કાયમ જીવનમાં પાળવાથી મોંઘામુલું માનવજીવન ખરા અર્થમાં સ્નેહ, આદર સાથે સંતોષપૂર્વક માણી શકાય છે. જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ!