(૧) પતિનું કહેવું બધું જ કામ કરે તેવી પત્નીને શું કહેવાય ? જીગર આહીર (દાત્રાણા-પાટણ)
અફવા.
(૨) બાત પુરાની હૈ. તો પુરાની એટલે કેટલી જૂની?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
તમારા મોબાઇલમાં એનો છેલ્લો મેસેજ ક્યારે આવ્યો હતો એ જોઈ લોને!
(૩) પરીક્ષા અને રીક્ષા વચ્ચે શું તફાવત છે?
યોગેશભાઈ આર જોશી (હાલોલ જિ.પંચમહાલ)
પરીક્ષા પતી જાય ત્યારે મજા આવે રીક્ષા પતી જાય ત્યારે એનો માલિક હેરાન થઈ જાય.
(૪) બાળકો સાથે મને રમવા દો; શ્રીમંતો સાથે મને જમવા દો અને નેતાઓ સાથે મને……. ?
કનુભાઈ પરમાર (દામનગર)
બાળક અને શ્રીમંત સાથે તો તમને રાખ્યા. હવે બીજાનો વારો આવવા દો.
(૫) સાહેબ..! જીવન શું છે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
મેરા જીવન કોરા કાગઝ. તમારી તમને ખબર!
(૬) સાહેબ..! શું ભગવાન હોય..!?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
હવે સમજાયું.. શ્રાવણ મહિનો હાલ્યો આવે છે એની અસર કોલમમાં થવા લાગી છે!
(૭) લાગ્યું તો તીર નહિતર થોથુ. આ થોથુ કેવું હોય?
હરિભાઈ ધોરાજિયા (લીલીયા મોટા)
તમે ચોથું ભણતા હશો ત્યારે આ તીર અને થોથું ભણવામાં આવતું. હવે તો ઉડે તો ડ્રોન નહિતર રોન એવી કહેવત આવી ગઈ છે!
(૮) મેં મારા મિત્રને મદદ કરવાનું વચન આપ્યું કે તરત જ એ મારી પાસે ઉછીના રૂપિયા લેવા આવી રહ્યો છે. આને આફત આવી કહેવાય?
દર્શન પટેલ (વડોદરા)
ના, આને આફત વાવી કહેવાય!
(૯) રાજા અને રંક બન્ને સરખા કહેવાય?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
હા, કારણ કે કંટાળે ત્યારે બેયને બગાસાં આવે.
(૧૦) આતા સંબોધન મને અતિ ગમે છે.તમારો શું મત છે?
બાલુભાઈ કિકાણી (લીલિયા મોટા)
હું મારો મત આપીશ તો તમે મને પણ આતા કહેવા માંડશો એ બીક છે બાલુઆતા!
(૧૧) હમણાં સૂરજનાં કિરણો નવી આશાનો પ્રકાશ પૃથ્વી પર પાથરતા કેમ નથી?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
આશાનો પ્રકાશ? હું આવા કોઈ આશાના પ્રકાશને ઓળખતો નથી.
(૧૨) આપણે અઠવાડિયે એક વાર મોબાઈલ ફ્રી દિવસ રાખીએ તો? જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
આપણે ફ્રી છીએ ત્યાં સુધી મોબાઈલ ફ્રી દિવસ શક્ય નથી!
(૧૩) વહુ અને વરસાદને જશ કેમ નહી?
રતિલાલ ડાભી (લીલીયા મોટા)
એવું કોણે કહ્યુ? વરસાદને આપણે મેઘરાજા કહીએ છીએ અને વહુને વહુરાણી કહીએ છીએ.
(૧૪) જુગારી પાસેથી જે રકમ પકડાય છે એ સરકારને જમા થતી હશે? રમેશભાઈ મુંજપરા (અમરેલી)
જુગારમાં ક્યારેક ઓગણસીતેર રૂપિયા અને ક્યારે પિસ્તાળીસ રૂપિયા પકડાય છે. આટલી રકમ લઈને સરકાર શું કરે?
(૧૫) કેવોક ગારો? જય દવે (ભાવનગર)
કોણ નીકળે છે બારો!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..