અલ્હાબાદ હાઇકોર્ટે લિવ-ઇન રિલેશનશિપ પર એક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જા કોઈ પરિણીત પુરુષ પુખ્ત મહિલા સાથે તેની સંમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે, તો તેને ગુનો ગણી શકાય નહીં. કોર્ટે કહ્યું કે નૈતિકતા અને કાયદો બે અલગ અલગ બાબતો છે. જા કોઈ કાયદો તોડવામાં આવ્યો ન હોય, તો ફક્ત સામાજિક ધોરણોના આધારે કેસ દાખલ કરી શકાતો નથી. કોર્ટે આગામી આદેશો સુધી અરજદાર દંપતીની ધરપકડ પર રોક લગાવી છે અને પોલીસને તેમને રક્ષણ આપવાનો આદેશ આપ્યો છે.
આ આદેશ ન્યાયાધીશ જેજે મુનીર અને ન્યાયાધીશ તરુણ સક્સેનાની ડિવિઝન બેન્ચ દ્વારા અરજદારો અનામિકા અને નેત્રપાલની ફોજદારી રિટ અરજીની સુનાવણી કરતી વખતે જારી કરવામાં આવ્યો હતો. કોર્ટે પોલીસને તેમની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો હતો. વધુમાં, કોર્ટે મહિલાના પરિવારને કડક ચેતવણી આપી હતીઃ પરિવારનો કોઈ પણ સભ્ય દંપતીને કોઈપણ રીતે નુકસાન પહોંચાડશે નહીં. તેઓ તેમના ઘરમાં પ્રવેશ કરશે નહીં કે ફોન કોલ્સ, સંદેશાઓ અથવા કોઈપણ તૃતીય પક્ષ દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે નહીં.
કોર્ટે શાહજહાંપુર પોલીસ અધિક્ષકને સુરક્ષા મુદ્દા માટે વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવ્યા. કોર્ટે કહ્યું કે દંપતીનું રક્ષણ કરવું પોલીસની ફરજ છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૮ ના શક્તિ વાહિની કેસમાં આ સંદર્ભમાં સ્પષ્ટ નિયમો પહેલાથી જ નક્કી કરી દીધા હતા. કોર્ટે રજિસ્ટ્રાર (પાલન) ને નિર્દેશ આપ્યો છે કે તેઓ શાહજહાંપુરના પોલીસ અધિક્ષક અને સ્ટેશન હાઉસ ઓફિસરને આ આદેશની જાણ આગામી ૨૪ કલાકમાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, શાહજહાંપુર દ્વારા કરે. આ કેસમાં આગામી સુનાવણી ૮ એપ્રિલે યોજાશે.
આ આખો કેસ શાહજહાંપુરના જૈતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. ૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ અનામિકાની માતા કાંતિ દ્વારા અહીં દાખલ કરવામાં આવી હતી. માતાએ આરોપ લગાવ્યો હતો કે નેત્રપાલ નામના એક વ્યક્તિએ તેમની પુત્રીને ફસાવી હતી, અને ધરમપાલ નામના બીજા એક વ્યક્તિએ આમાં તેમને મદદ કરી હતી. પોલીસે બંને સામે મ્દ્ગજી એક્ટની કલમ ૮૭ હેઠળ કેસ દાખલ કર્યો હતો, જેને રદ કરવા માટે દંપતીએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.
અનામિકા અને નેત્રપાલે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ બંને પુખ્ત વયના છે અને સ્વેચ્છાએ સાથે રહે છે. માતાની એફઆઇઆરમાં જ અનામિકાની ઉંમર ૧૮ વર્ષ દર્શાવવામાં આવી હતી, જે તેણીની પુખ્તતા સાબિત કરે છે. વિરોધી વકીલે દલીલ કરી હતી કે નેત્રપાલ પહેલાથી જ પરિણીત હતો, જેના કારણે બીજી મહિલા સાથે તેનું રહેવું ગુનો બને છે. જાકે, કોર્ટે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો, અને કહ્યું હતું કે આ આધારે સ્વેચ્છાએ સાથે રહેતા પુખ્ત વયના લોકો પર કેસ ચલાવી શકાય નહીં. અરજી સાથે બંને અરજદારોનું સંયુક્ત સોગંદનામું પણ જાડવામાં આવ્યું હતું. કોર્ટે આ બાબતને ગંભીર ગણીને જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ કેસ બન્યો હતો, અને તેથી, તેને સ્વીકારવામાં આવ્યો હતો. કોર્ટે બંને પ્રતિવાદીઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલોને તેમના પ્રતિ-સોગંદનામા દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો હતો.
અનામિકાએ શાહજહાંપુર પોલીસને લેખિતમાં જાણ કરી હતી કે તે પોતાની મરજીથી તેની સાથે રહી રહી છે. તેણીએ એમ પણ કહ્યું હતું કે તેના માતાપિતા આ સંબંધની વિરુદ્ધ હતા અને ઓનર કિલિંગના નામે તેણીને મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા. કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે પોલીસ વડાએ આ ફરિયાદ પર કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, ભલે સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી પોલીસની છે.










































