બાબરા તાલુકાના લોનકોટડા ગામે એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. પરિણીતા એકલા હતા ત્યારે એક આરોપીએ રૂમમાં ઘૂસી જઈને તેમની સાથે છેડતી કરી હતી. આ બાબતની જાણ પતિને થતા અને તેમણે ફરિયાદ કરવા જતાં અન્ય ચાર આરોપીઓએ સાથે મળીને દંપતી પર હુમલો કર્યો અને ધમકી આપી હતી. બનાવ અંગે પરિણીતાએ અજયભાઇ મુકેશભાઇ સોલંકી, મુકેશભાઇ ભગવાનદાસ સોલંકી, ભાનુબેન મુકેશભાઇ સોલંકી, ચાંદનીબેન મુકેશભાઇ સોલંકી તથા ભુપતભાઇ ભગવાનદાસ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદી મહિલા, જેઓ સામાન્ય રીતે તેમના પતિ સાથે અમરેલી ખાતે રહે છે, તેઓ ગત તારીખ ૦૫/૧૦/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે તેમના દીકરાને લેવા લોનકોટડા ગામે આવ્યા હતા. તેમના પતિ દીકરાને લઈને ઘરની બહાર ગયા હતા. તે સમયે તેઓ રૂમમાં એકલા હતા. આ તકનો લાભ લઈને અજયભાઈ સોલંકી તેમના રૂમમાં ઘૂસી ગયો હતો. આરોપીએ પાછળથી તેમને બથ ભરીને પકડી લીધા અને તેમના છાતીના ભાગે હાથ ફેરવવાનું શરૂ કર્યું. તેણે ફરિયાદીના ગળા પાસે બચકાં પણ ભર્યા હતા. તેમણે આરોપીને ધક્કો મારી દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ ફરીથી પકડી લીધા અને પોતાના નખ મારીને ઉજરડા પણ કર્યા હતા. તેમણે જેમ તેમ કરીને આરોપીની ચુંગાલમાંથી પોતાનો છુટકારો મેળવ્યો હતો અને દોડીને ફળિયામાં આવી ગયા હતા. જે બાદ આરોપી પોતાના રૂમમાં જતો રહ્યો હતો. તેમણે તેમના પતિ ઘરે પાછા ફરતા સમગ્ર ઘટનાની વાત કરી હતી. થોડીવારમાં જ અન્ય આરોપીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઉશ્કેરાઈને દંપતીને મુંઢમાર માર્યો, ગંદી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.








































