૩૩ વર્ષીય જયશ્રી માતંગ નામની પરણીતા દ્વારા કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે આવેલ નર્મદા કેનાલમાં ગત ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના ૩૬ વર્ષીય પ્રાઇવેટ નોકરી કરનારા પતિ ખીમજી માતંગ દ્વારા મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ ૧૦૮ મુજબ પોતાના જ ગામના વતની ૪૦ વર્ષીય અરવિંદ પૂજા મહેશ્વરી વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં ખીમજી માતંગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપી દ્વારા તેની પત્નીને પોતાની સાથે સંબંધ રાખવા તેમ જ મારી સાથે સંબંધ તોડી નાખવા માટે અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. તેમજ દબાણ કરી ત્રાસ આપી મરવા માટે મજબૂર કરવામાં આવી છે.પોલીસને આપેલી ફરિયાદમાં ખીમજી માતંગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતાના લગ્ન જયશ્રી સાથે ૧૩ વર્ષ  પૂર્વે થયા હતા. સંતાનમાં હેમાંશુ નામનો ૧૧ વર્ષનો દીકરો છે. તેમજ પોતે  કુરિયર બોય તરીકે નોકરી કરે છે. ૧૧ ઓગસ્ટના રોજ હું સવારે ૧૦ વાગ્યે નોકરી પર જતો રહ્યો હતો તેમજ સાંજના સાડા ચાર વાગ્યે ઘરે પરત ફરતા મારી પત્ની જયશ્રી ઘરે હાજર ન હતી. દરમિયાન જયશ્રીના મોબાઈલ નંબર ઉપર ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. તેમજ આજુબાજુમાં તપાસ કરતા તે જાવા નહોતી મળી. દરમિયાન મને માહિતી મળી હતી કે જયશ્રી અમારા પાડોશમાં રહેતા અરવિંદ પૂજા મહેશ્વરી સાથે તેની ફોર વ્હીલરમાં ગઈ છે.

અરવિંદ અગાઉ પણ મારી પત્નીને સંબંધ બાંધવા માટે તેમજ પોતાની સાથે સંબંધ રાખવા માટે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ મારી પત્નીને પોતાની સાથે સંબંધ રાખવા અને મારી સાથે સંબંધ પૂરો કરી નાખવા માટે માનસિક ત્રાસ પણ આપતો હતો. જેથી મેં અરવિંદને ફોન કરતા તેનો પણ ફોન બંધ આવતો હતો. દરમિયાન મને જાણવા મળ્યું હતું કે, દેશલપર નર્મદા કેનાલમાં કોઈ સ્ત્રી કૂદીને પડી ગઈ છે. તેની સાથે એક બોલેરો કેમ્પર વાળો માણસ પણ હતો. જે ત્યાંથી નાસી ગયો છે. દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે, મુન્દ્રા સરકારી દવાખાને આવો એક સ્ત્રીની લાશ મળી આવી છે. દવાખાને પહોંચીને જાતા લાશ મારી પત્ની જયશ્રીની હોવાનું સામે આવ્યું છે.

ઇન્વેસ્ટીગેશન ઓફિસર દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું કે, ૪૦ વર્ષીય અરવિંદ મહેશ્વરીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું છે. બનાવના દિવસે આરોપીના બોલેરો કેમ્પર વાહનમાં બેસીને જયશ્રી દેશલપર નર્મદા કેનાલ ખાતે ગઈ હતી. ત્યારે ત્યાં પહોંચીને કયા કારણોસર અને કેવી રીતે તેને કેનાલમાં ઝંપલાવ્યું હતું તે બાબતે હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. બનાવ સંદર્ભે અરવિંદ મહેશ્વરીને કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવેલ છે.