વડોદરામાં હચમચાવી નાખતી ઘટના બની છે. પત્ની ગુલબાનુએ પ્રેમી સાથે મળી પતિ ઇરસાદ અલી ઠંડા કલેજે હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. હદ ત્યારે થઈ કોઈને જાણ કર્યા વગર જ પતિના મૃતદેહને દફનાવી દીધો. આરોપી પત્ની સતત પતિના પરિવારને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું કહી ગેરમાર્ગે દોરતી રહી. જા કે કાતિલ પત્ની અને તેના પ્રેમીનો પોલીસ તપાસમાં ભાંડો ફૂટી ગયો છે. પોલીસે કબરમાંથી મૃતદેહ કાઢી પોસ્ટમોર્ટ અર્થે મોકલી આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.વડોદરામાંથી પતિ-પત્નીના સંબંધને વિશ્વાસ ઉઠાડી દેતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના ૧૮ નવેમ્બરે બની હોવાનું કહેવાઈ છે. શહેરના તાંદલજામાં રહેતા ઇરસાદ અલી બંજારાની હત્યા તેની પત્ની ગુલબાનુએ પ્રેમી સાથે પતિનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપીઓએ એટલી બધી ચાલાકી કરી કે કોઈને ખબર પણ ન પડે એ રીતે મૃતદેહને તાંદલજાના કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો. પત્ની ગુલબાનુએ પતિના મોતના ઘણા સમય પછી પરિવારજનોને ફોન કરીને કહ્યું કે “ઇરસાદને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું.” પરિવારને આ વાત પર તો શંકા આવી જ કારણ કે ઇરસાદને ક્્યારેય હૃદયની કોઈ તકલીફ નહોતી, એટલું જ નહીં મોતના ઘણા કલાક પછી જાણ કરવામાં આવી હતી.મૃતકના મોટા ભાઈ ઇમ્તિયાઝ અબ્દુલકરીમ બંજારાએ જણાવ્યું હતું કે, “અમને ૧૮મીએ બપોરે ૩.૩૦ વાગ્યે ખબર પડી કે મારા ભાઈનું મોત થયું છે, પણ મોત તો રાત્રે ૧૨.૩૦થી ૧.૦૦ વચ્ચે થયું હતું. એટલો મોટો આઘાત લાગ્યો હોય તો ઘરના સગા-વ્હાલાને તરત જાણ કરવી જાઈએ, પણ ભાભીએ કોઈને કંઈ જ કહ્યું નહીં. સીધા દફન કરી દીધો. અમને શંકા આવી એટલે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.”પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ગુલબાનુના મોબાઈલના કોલ ડિટેઈલ્સ ચેક કરતાં જ ચોંકાવનારી હકીકત સામે આવી કે ૧૮ નવેમ્બરથી લઈને તે પહેલાંના ઘણા દિવસોથી એક જ નંબર પરથી લાંબી-લાંબી વાતો થતી હતી. એ નંબર ગુલબાનુના પ્રેમીનો હોવાનું બહાર આવ્યું. પોલીસે ૨૨ નવેમ્બરે, એટલે કે હત્યાના પાંચમે દિવસે કબ્રસ્તાનમાંથી મૃતદેહ બહાર કાઢ્યો. મૃતદેહ પર ગળું દબાવવાના સ્પષ્ટ નિશાન જાવા મળ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પીટલ મોકલી દેવામાં આવ્યો હતો. સાથે જ ગુલબાનુ અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. હાલ વડોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ પોલીસને શંકા છે કે ગુલબાનુ અને તેનો પ્રેમી લાંબા સમયથી સંબંધમાં હતા અને ઇરસાદ અલી તેની વચ્ચે અડચણરૂપ બની રહ્યો હતો.







































